Get The App

મફત ઇ કેવાયસી માટે લોકો પાસેથી પૈસા પડાવતો ઓપરેટર ઝડપાયો

એક એન્ટ્રીના ઓપરેટરને રૃા.૫ સરકાર આપે છતાં હિમાંશુ પટેલને વધુ લાલચ જાગી અને લોકો પાસેથી ઉઘરાવ્યા

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
મફત ઇ કેવાયસી માટે લોકો પાસેથી પૈસા પડાવતો ઓપરેટર ઝડપાયો 1 - image

વડોદરા, તા.25 વાઘોડિયા તાલુકામાં રેશનકાર્ડમાં ઇ કેવાયસી કરાવવા માટે લોકો પાસેથી પૈસા પડાવતો કોમ્ય્યૂટર ઓપરેટર લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોએ ઝડપી પાડયો હતો.

આ અંગેની વિગત એવી છે કે રેશનકાર્ડમાં ઇ કેવાયસી કરાવવું ફરજિયાત  હોવાથી લોકોનો ભારે ધસારો રહે છે. ગ્રામ પંચાયતમાં ઇ કેવાયસી કરાવવા માટે સરકાર દ્વારા કોમ્પ્યૂટર ઓપરેટરને એક ઇ કેવાયસી માટે રૃા.૫ તેમજ સ્ટેશનરી માટે રોજ રૃા.૬૦ ખર્ચ આપવામાં આવે છે. પરંતુ કેટલાંક ઓપરેટરો ઇ કેવાયસી કરાવવા માટે આવનાર નાગરિકોને મફતમાં ઇ કેવાયસી કરી આપવાનું હોવા છતાં લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની ફરિયાદો એસીબી પાસે આવી  હતી.

વાઘોડિયા તાલુકાના મઢૂલી ગામની પંચાયતનો કોમ્પ્યૂટર ઓપરેટર હિમાંશુ જગદીશભાઇ પટેલ (રહે.કડધરા તા.ડભોઇ)ને એક એન્ટ્રીના સરકાર પૈસા આપતી હોવા છતાં ગ્રામજનો પાસેથી રૃા.૨૦ પડાવે છે તેવી માહિતીના આધારે વડોદરા એસીબી દ્વારા ડીકોઇ છટકું ગોઠવવામાં આવ્યું હતું. એક શખ્સને તૈયાર કરી તેને પંચાયત ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો. હિમાંશુ પટેલે ઇ કેવાયસી કરીને રૃા.૨૦ પડાવતાં જ એસીબીએ તેને ઝડપી પાડયો હતો. 

એસીબીના હાથે હિમાંશુ પટેલ ઝડપાતા ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા  હતાં. આ અંગે એસીબીએ હિમાંશુ પટેલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન આજે તેને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરાતા તેને જેલમાં મોકલી દેવાનો હુકમ ન્યાયાધીશે કર્યો હતો.




Google NewsGoogle News