૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્સ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ
ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો
વડોદરા,યુજીસી નેટની પરીક્ષા દરમિયાન શાંતિનો માહોલ જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્સ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં યોજાનારી યુજીસી નેટની પરીક્ષા માટે શહેરમાં બે કેેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. તેને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રમાં સવારના ૭ થી રાતના આઠ વાગ્યા સુધી મોબાઇલ ફોન, હેન્ડ સેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, વાયરલેસ, સ્માર્ટ વોચ, બ્લૂ ટૂથ, કેમેરો, લેપટોપ સહિતના ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરના અંતરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ૧૦૦ મીટર અંતરમાં ઝેરોક્સ મશીન ચાલુ રાખી શકાશે નહીં. પરીક્ષા સ્થળની આજુબાજુ લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે ખોદકામ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ હુકમ તા. ૩,૬,૭,૮,૯,૧૯,૧૫ અને ૧૬ તારીખ સુધી અમલમાં રહેશે. આ પરીક્ષાના બે કેન્દ્રો નારાયણ ગાર્ડન રોડ પર છે.