ઘરે બેઠા સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ કરી શકાશે બિલ્વપત્ર, ઘરે આવશે રુદ્રાક્ષનો પ્રસાદ
Bilvapuja of Jyotirlinga Somnath Mahadev : શ્રાવણ મહિનો અને શિવરાત્રીના તહેવારોમાં શિવભક્તો દ્વારા શંકર ભગવાનની પૂજામાં બિલ્વપત્રો ચડાવવામાં આવે છે. જેમાં શ્રાવણ મહિનાના 30 દિવસમાં સોમનાથ મહાદેવને રોજના લાખોથી વધુ બિલ્વપત્રો અર્પણ કરવામાં આવે છે. તેવામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 25 રૂપિયામાં બિલ્વપુજા સેવા શરુ કરવામાં આવી છે. જેમાં મહાદેવના પૂજારી દ્વારા પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવની બિલ્વપુજાની મહિમાનો ઘરે બેઠા લાભ મેળવી શકાશે.
3 લાખથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અપર્ણ કર્યા
વર્ષ 2023 અને 2024 ની મહાશિવરાત્રી અને 2023 શ્રાવણ મહિનામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી બિલ્વપુજામાં મોટી સંખ્યમાં શિવભક્તોએ સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અપર્ણ કર્યા હતા. શંકર ભગવાનના આ ત્રણેય ઉત્સવમાં 3 લાખથી વધુ પરિવારોએ પૂજામાં નોંધણી કરાવી હતી, જેમાં તેમને રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પ્રસાદ સ્વરૂપે તેમણે જણાવેલા સરનામા પર પોસ્ટથી મોકલવામાં આવ્યાં હતા. એવું માનવામાં આવે છે કે, શંકર ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરવાનો અનેરો મહિમા છે, જેમાં શંકર ભગવાનને ત્રણ પર્ણનું બીલીપત્ર ચડાવવાથી ત્રણ જન્મના પાપનો નાશ થાય છે.
ભક્તોને યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી શિવજીના લાઈવ દર્શન કરાવ્યાં
2023 ના શ્રાવણ મહિનામાં બિલ્વપુજાના પ્રારંભથી બહુ સારુ પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેમાં દેશભરમાંથી 2.50 લાખથી વધુ ભક્તોએ પુજા કરાવવા માટે નોંધણી કરાવી હતી. આમ તેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નોંધણી કરાયેલા તમામ ભક્તોને યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી શંકર ભગવાનના લાઈવ દર્શન કરાવીને બિલ્વપુજા કરી હતી. આ પછી ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર આપતાં લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.
2024 ના શ્રાવણ મહિનાને લઈને નોંધણી માટેની તારીખ જાહેર કરાઈ
બીજી તરફ, 2024 ના શ્રાવણ મહિનાને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં તા. 12 જુલાઈ, 2024 થી 03 સપ્ટેમ્બર 2024 ના સમયગાળામાં માત્ર રૂ. 25 માં બિલ્વપુજા કરાવવા સોમનાથ ટ્રસ્ટની ઓફિસિયલ વેબસાઈટ પરથી નોંધણી કરાવી શકાશે.