3700 જેટલા વિદ્યાર્થીઓ ધરાવતી ટેકનોલોજી ફેકલ્ટીમાં સાત જ પ્રોફેસરો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીનું ખાલી જગ્યાઓના અભાવે સતત ધોવાણ થઈ રહ્યું છે.૩૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધરાવતી ફેકલ્ટીમાં હવે માત્ર સાત જ પ્રોફેસર રહ્યાં છે.
છેલ્લા પાંચ વર્ષથી અધ્યાપકોની ખાલી જગ્યાઓ ભરવાનું બંધ છે અને બીજી તરફ કાયમી અધ્યાપકો દર વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રોફેસરની સૌથી વધારે જગ્યાઓ ખાલી પડી છે.સૂત્રોના કહેવા પ્રમાણે ફેકલ્ટીમાં પ્રોફેસરોની ૪૨ જગ્યાઓ ભરેલી હોવી જોઈએ.તેની જગ્યાએ કોમ્પ્યુટર સાયન્સમાં ૨, સિવિલ એન્જિનિયરિંગમાં ૨, ફિઝિક્સમાં એક, મેથેમેટિક્સમાં એક અને મિકેનિકલમાં એક એમ સાત પ્રોફેસરો રહ્યા છે. જેની સીધી અસર સંશોધન પર પડી રહી છે અને આગામી કોઈ પણ રેન્કિંગમાં તેની સૌથી ખરાબ અસર જોવા મળશે.કારણકે રેન્કિંગમાં પ્રોફેસરની કેટલી જગ્યાઓ ભરાયેલી છે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે.
સૂત્રોનું કહેવું છે કે, ફેકલ્ટીમાં સંખ્યાબંધ અધ્યાપકો એવા છે જેમને સરકાર દ્વારા પ્રોફેસરનો પે ગ્રેડ આપવામાં આવ્યો છે પરંતુ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તેમને પ્રોફેસરનો હોદ્દો આપવામાં અખાડા થઈ રહ્યા છે.
ઉપરાંત વાઈસ ચાન્સેલરે તાજેતરના પદવીદાન સમારોહમાં એવિએશન એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ ટેકનોલોજી ફેકલ્ટીમાં શરુ કરવાની જાહેરાત કરી હતી.પ્રોફેસરોની ખાલી જગ્યાઓ સાથે આ કોર્સ કેવી રીતે શરુ થશે તે પણ એક સવાલ છે.