રાજધાનીમાં જ દીવા તળે અંધારું, ફક્ત 55% લોકોએ જ પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભર્યો
Property Tax in Gandhinagar : ગાંધીનગરમાં પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે ઈ નગરથી માઇક્રોટેક સોફ્ટવેરમાં સ્વિચ કરીને પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિજિટલ ક્ષેત્રે સફળતા મેળવવામાં નિષ્ફળ રહી છે. મિલકત વેરાની 55% ચૂકવણી ઓનલાઈન કરાઈ હોવા છતાં અન્ય લોકો કોર્પોરેશનની વેરા વસૂલાત વિન્ડોમાં વધુ સમય લેતી પ્રક્રિયાની ફરિયાદ કરી રહ્યા છે.
એક નાગરિક દ્વારા એવો મુદ્દો ઉઠાવાયો હતો કે, બેંક ખાતામાંથી નાણાં કપાય છે પરંતુ ગાંધીનગર મહા નગરપાલિકાને મળતા નથી કારણ કે પાલિકાની પેમેન્ટ ગેટ-વે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે. આથી જે કરદાતા ઓનલાઈન પેમેન્ટ કરે છે તેઓને પણ ટેક્સની બાકી રકમનો સામનો કરવો પડે છે.
હવે ગાંધીનગર પાલિકા કરદાતાઓને સલાહ આપી રહી છે કે તમે ફરીથી લાઈનમાં ઊભા રહો અને પેમેન્ટ કરો. ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ સાત દિવસમાં રિફંડ કરાશે. જેથી ગાંધીનગરના તમામ કરદાતાઓએ એક જ જગ્યાએ મિલકત વેરો ભરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે અને ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે.
આ મુદ્દામાં કોર્પોરેશનના ટેક્સ વિભાગની કચેરીએ માહિતી આપી છે કે, અમારી સિસ્ટમમાં કોઈ ટેકનિકલ સમસ્યા નથી. આ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. ટેક્સની ઓનલાઈન વસૂલાત માટે 55% ટેક્સ પેમેન્ટ ઓનલાઈન કરાય છે અને તેની રસીદો તેમને પહોંચાડાય છે.
આ અંગે ટેક્સ ઓફિસે ‘ગુજરાત સમાચાર’ને માહિતી આપી હતી કે, ગાંધીનગરમાં વિવિધ સેવા કેન્દ્ર પર ટેક્સ ચૂકવવા કુલ 27 ઑફલાઇન વિન્ડો ઉપલબ્ધ છે. ગાંધીનગરમાં જૂની ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં આવી 11 બારી છે અને અન્ય નવા ઉમેરાયેલા ગામડાંમાં આવેલી છે. ઓનલાઈન ટેક્સ પેમેન્ટ માટે પ્રક્રિયામાં માત્ર ત્રણ મિનિટનો સમય લાગે છે, જ્યારે કેટલીક સેકન્ડોમાં સોફ્ટવેર મિલકતના માલિક દ્વારા ચૂકવેલા ટેક્સની રસીદ જનરેટ કરે છે.
ગાંધીનગર કર વસૂલાત વિભાગ પાસે એપ્રિલ-2024 થી માર્ચ 2025ના નાણાકીય વર્ષ માટે રૂ. 84,52,56,813 (અંદાજિત 2 લાખ મિલકતો માટે)ની માંગ રખાઈ છે. આ દરમિયાન 12 મી મે 2024 સુધી પ્રાપ્ત રકમ રૂ. 22,38,54,252 છે.
ખેર, સ્માર્ટ સિટીમાં પણ કોર્પોરેશન હજુ સ્માર્ટ બન્યું નથી. 31 મે ટેક્સ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે કેટલાક નાગરિકોનો દાવો છે કે, અહીં લાઈનોમાં કેટલાક એવા પણ છે જેમની ફરિયાદો પણ સાંભળવામાં આવતી નથી. ચાર વર્ષથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વેરા વસૂલાત માટે ઇનગર સોફ્ટવેરનો ઉપયોગ કરે છે અને નવમી એપ્રિલ 2024થી તેઓ ટેક્સ વસૂલાત માટે માઇક્રોટેક સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. બીજી તરફ, ટેક્સ વિભાગના અધિકારીઓનો દાવો છે કે ટેક્સ કલેક્શનની સિસ્ટમમાં સર્વર ડાઉનની કોઈ સમસ્યા નથી.