વડોદરા શહેરના માર્ગો પર ફિટનેસ સર્ટિફિકેટ વગરની દોડતી રિક્ષાઓ, 52,189 માંથી માત્ર 3,864 રિક્ષાઓનું જ ફિટનેસ સર્ટિફિકેટ
Vadodara : વડોદરામાં ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતી રિક્ષાઓ મુસાફરો માટે જોખમી છે. તેમ છતાંય હાલમાં વડોદરામાં 52,189 રિક્ષાઓ પૈકી માત્ર 3,864 રિક્ષાઓનું જ ફિટનેસ સર્ટિફિકેટ છે. જેના કારણે રિક્ષામાં મુસાફરી કરતા શહેરીજનોના માથે જોખમ રહેલું છે.
રાજ્યમાં 7,23,121 રિક્ષાઓની પરમિટ છે. જે પૈકી માત્ર 66,891 રિક્ષાઓના ફિટનેસ ટેસ્ટ થયા છે. વડોદરામાં પણ માત્ર સાડા સાત ટકા રિક્ષાઓના ફિટનેસ ટેસ્ટ થયા છે. બાકીની રિક્ષાઓ ફિટનેસ વગર જ શહેરના માર્ગો પર દોડી રહી છે. આ અંગે રિક્ષા યુનિયનના આગેવાને જણાવ્યું છે કે, અગાઉ ફિટનેસની કાર્યવાહી આર.ટી.ઓ. કચેરી દ્વારા થતી હતી.પરંતુ, હવે આ કામગીરી ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવી છે. તેના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીનો ચાર્જ 800 રૂપિયા છે. આ ટેસ્ટિંગમાં રિક્ષામાં સ્હેજપણ ખામી હોય તો ટેસ્ટ ફેલ થાય છે. ફરીથી ટેસ્ટ આપવા માટે રિક્ષા ચાલકોને 800 રૂપિયા ભરવા પડે છે. આવી પરિસ્થિતિના કારણે રિક્ષા ચાલકો ફિટનેસ સર્ટિફિકેટ માટે જતા જ નથી. જેના કારણે મુસાફરોના જીવને જોખમ રહે છે.
આ ઉપરાંત મીટર કેલિબ્રેશન એટલેકે, મીટરના ટેસ્ટિંગમાં પણ ઘણી તકલીફ છે. વડોદરામાં માત્ર એક જ સેન્ટર છે. જેના કારણે રિક્ષા ચાલકોને છેક અમદાવાદ સુધી દોડવું પડે છે. અમદાવાદમાં જ મોટાભાગની કંપનીઓ હોય તેમના સ્ટાફ પૈકી કોઇને લાયસન્સ આપવામાં આવ્યું હોય છે. તેના કારણે રિક્ષા ચાલકો હેરાન થઇ રહ્યા છે. આ જ રીતે સીએનજી બોટલ રિટેસ્ટિંગમાં પણ તકલીફ થઇ રહી છે. વડોદરામાં માત્ર એક જ સેન્ટર છે.