એક તલાટી પાસે ચાર-પાંચ ગામોનો ચાર્જ પાદરા તાલુકાના ૮૨ ગામો વચ્ચે માત્ર ૨૮ જ તલાટીઓ
ખેડૂતોને મહેસૂલ ભરવા, વિદ્યાર્થીઓને દાખલો લેવા માટે તલાટીઓને શોધવા પડે તેવી સ્થિતિ
વડોદરા તા.૪ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ખેડૂતોને તેમજ વિધાર્થીઓને જો તલાટી કમ મંત્રી પાસેથી આવકનો દાખલો મેળવવા અને ખેડૂતોને પોતાના ખેતરનું મહેસૂલ ભરવાનું હોય કે પછી પાદરા ઇન્ડસ્ટ્રિયલ ઝોનના કારણે કોઈ કંપનીને કામ હોય તો તલાટીની ચાતક નજરે રાહ જોવી પડે છે.
પાદરા તાલુકામાં કુલ ૮૨ ગામ આવેલા છે અને હાલમાં ૨૮ તલાટી કમ મંત્રી પાદરા તાલુકાના ગામોમાં ફરજ બજાવે છે જેના કારણે એક તલાટીને ત્રણ ચાર ગામોમાં ઈન્ચાર્જ તલાટી તરીકે આંટા ફેરા મારવા પડે છે. પાદરા તાલુકાના ઉમરાયા ગામમાં આવતા તલાટી મૂળ ગણપતપુરાના ફુલ ટાઈમ તલાટી છે પરંતુ ઉમરાયા, લુણા, એકલબારા ગામનો વધારાનો ચાર્જ હોય ઉમરાયા ગામમાં ફક્ત મંગળવાર અને શુક્રવારે આ તલાટી આવે છે.
તાજેતરમાં ઉમરાયા ગામના ખેડૂત બપોરે ૩-૩૦ કલાકે ઉમરાયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગયા તો જાણવા મળ્યું કે તલાટી હમણાં જ પાદરા જવા માટે નિકળી ગયા છે કારણ કે પાદરા તાલુકાના વિકાસ અધિકારીએ મિટિંગ બોલાવી છે. આ વાતની પૂર્તતા કરવા માટે ખેડૂત પાદરા તાલુકાના વિકાસ અધિકારી પાસે ગયા તો સાંજે પાંચ વાગ્યા સુધી મિટિંગ શરુઆત કરી ન હતી.
પાદરા તાલુકાના ૮૨ ગામોમાં ૮૨ તલાટીઓની તાત્કાલિક ધોરણે નિમણૂક કરવામાં આવે તો ખેડૂત ખાતેદારોને મોટી રાહત થશે. આ અંગે ઉમરાયા ગામના હસમુખ પાઠકે એક આવેદનપત્ર આપી માંગણી કરી છે કે જો જિલ્લા પંચાયત કચેરી દ્વારા નિમણૂંક કરેલ શિક્ષક પોતાની ફરજ સવારે ૧૦-૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી બજાવતા હોય તો તલાટી કમ મંત્રીઓએ પણ નિયમિત ફરજ બજાવવી જોઇેએ.