વડોદરા જિલ્લામાં માત્ર ૧૯ ટકા અને શહેરમાં ૨૦ ટકા વિદ્યાર્થીઓના અપાર આઈડી બન્યા
વડોદરાઃ નવી શિક્ષણ નીતિના ભાગરુપે સમગ્ર દશમાં એક રાષ્ટ્ર, એક આઈડી.. અભિયાનના ભાગરુપે પ્રાથમિકથી માંડી ધો.૧૨ સુધી તમામ વિદ્યાર્થીઓ માટેનું બાર આંકડાનું અપાર આઈડી( ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક ેએકાઉન્ટ રજિસ્ટ્રી) જનરેટ કરવાની કામગીરી સ્કૂલોને સોંપવામાં આવી છે.
સ્કૂલો દ્વારા આ માટેની કાર્યવાહી તો શરુ કરવામાં આવી છે પરંતુ અપાર આઈડી બનાવવા માટે આધાર કાર્ડ અને સ્કૂલ રેકોર્ડના નામમાં જોવા મળી રહેલી વિસંગતતાઓના કારણે અપાર આઈડી બનાવવાની કામગીરી ઘણી ધીમી છે.ગુજરાતના દરેક જિલ્લામાં આ કાર્યવાહી ધીમી ગતિએ ચાલી રહી છે અને વડોદરા પણ તેમાં અપવાદ નથી.બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી તા.૨૩ ડિસેમ્બર સુધીમાં પૂરી કરવા માટે સ્કૂલોને કહેવામાં આવ્યું છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરા જિલ્લાની સ્કૂલોમાં હજી સુધી માત્ર ૧૯ ટકા અને શહેરની સ્કૂલોમાં ૨૦ ટકા જ વિદ્યાર્થીઓના અપાર આઈડી બની શક્યા છે.સ્કૂલોના આચાર્યોના કહેવા પ્રમાણે જે તે સમયે સ્કૂલમાં વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હોય ત્યારે સ્કૂલ રજિસ્ટર અને સરકારના યુ ડાયસ( યુનિફાઈડ ડિસ્ટ્રિકટ ઈન્ફોર્મેશન ફોર એજ્યુકેશન)માં નોંધાયેલા નામ અને આધાર કાર્ડના નામમાં તફાવત જોવા મળી રહ્યો છે.અપાર આઈડીમાં એન્ટ્રી કરવા માટે યુડાયસ, સ્કૂલ જીઆર અને આધાર કાર્ડના નામ એક સરખા હોવા જરુરી છે.આમ જ્યાં સુધી વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં નામમાં સુધારો ના થાય ત્યાં સુધી અપાર આઈડી બનાવવું શક્ય નથી.
રાજ્ય સરકાર દ્વારા તો અપાર આઈડી બનાવવાની કામગીરી શરુ કરવાનો સ્કૂલોને દિવાળી વેકેશન બાદ આદેશ અપાયો હતો પરંતુ વડોદરા જિલ્લાની ૭૨ સ્કૂલો અને શહેરની ૧૨ સ્કૂલો એવી છે જ્યાં અપાર આઈડી બનાવવાની કાર્યવાહી શરુ જ નથી થઈ.
હવે આધાર કાર્ડમાં નામ સુધારવા દોડધામ થશે
સરકાર દ્વારા સ્કૂલો પર અપાર આઈડીની કામગીરી ઝડપી બનાવવા દબાણ કરાયું છે તો હવે સ્કૂલો વાલીઓને બાળકોના આધાર કાર્ડમાં સુધારો કરવા માટે દબાણ કરશે અને તેના કારણે હવે રેશન કાર્ડની જેમ હવે આધાર કાર્ડના નામોમાં સુધારા કરવા માટે પણ ધસારો થશે તેવુ લાગી રહ્યું છે.આ પહેલા વાલીઓ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજના માટે રેશન કાર્ડમાં નામ સુધારવા માટે ધક્કા ખાઈ ચૂકયા છે.
વડોદરા શહેર અને જિલ્લાની સ્થિતિ
વડોદરા જિલ્લો
૧૪૪૮ સ્કૂલો
અપાર આઈડીની કામગીરી શરુ ના થઈ હોય તેવી ૭૨ સ્કૂલો
૨૨૩૧૩૭ કુલ વિદ્યાર્થીઓ
૪૨૨૫૨ના અપાર આઈડી બન્યા
વડોદરા શહેર
૬૬૨ સ્કૂલો
૧૨ સ્કૂલોમાં અપાર આઈડીની કામગીરી શરુ થઈ નથી
૩૦૬૯૫૧ કુલ વિદ્યાર્થીઓ
૬૧૬૩૧ અપાર આઈડી બન્યા
સૌથી ધીમી કામગીરીમાં મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓ
રાજ્યમાં જે પાંચ જિલ્લાઓમાં અપાર આઈડીની કામગીરી સૌથી ધીમી છે તેમાં ત્રણ જિલ્લા મધ્ય ગુજરાતના છે.જામનગરની સ્કૂલોમાં અત્યાર સુધી ૧૨.૯૭ ટકા વિદ્યાર્થીઓના, સુરત શહેરની સ્કૂલોમાં ૧૪.૫૫ ટકા, પંચમહાલમાં ૧૪.૬૭ ટકા, દાહોદમાં ૧૫.૧૯ ટકા અને મહિસાગરમાં ૧૫.૯૮ ટકા વિદ્યાર્થીઓના જ અપાર આઈડી અત્યાર સુધી બન્યા છે.