મહિલા HR મેનેજરને ડિજિટલ એરેસ્ટ કરી ઓનલાઇન ઠગોએ 10.97 લાખ પડાવી લીધા
Image: Freepik
વડોદરામાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતી એક મહિલાને કુરિયરમાં ડ્રગ્સના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂ 10.97 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતા સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
માંજલપુર દરબાર ચોકડી નજીક રહેતી અને ખાનગી કંપનીમાં એસઆર મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાએ પોલીસને કહ્યું છે કે ગઈ તા ત્રીજી ઓક્ટોબરે હું ઓફિસમાં હતી ત્યારે મને ફેડેક્ષ કુરિયર ના નામે ફોન આવ્યો હતો.
ફોન કરનારે તમે મોકલેલા કુરિયરમાં ઈલિગલ મટીરીયલ છે તેમ કહ્યું હતું. જેથી મેં આવું કોઈ કુરિયર મોકલ્યું નથી તેવો જવાબ આપ્યો હતો. તો ઠગે કહ્યું હતું કે, તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે,અમે અહીં એફ આઇ આર કરી છે. તમે પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો.
ત્યારબાદ ઠગે ફોન ટ્રાન્સફર કર્યો હતો અને સાયબર સેલ મુંબઈમાંથી પીઆઇ ના નામે કોઈ ત્રાહિત વ્યક્તિ એ વાત કરી હતી. તેણે સ્કાયપી ઉપર વિડીયો કોલ કરવા કહ્યું હતું. જેથી મેં વીડિયો કોલ કરતા તેણે તપાસ માટે મુંબઈ આવું પડશે તેમ કહી ધમકાવી હતી અને પ્રશ્નોના ઉત્તર આપવા કહ્યું હતું.
મહિલાએ કહ્યું છે કે, ત્યારબાદ મારા ડેબિટ કાર્ડ માંગવામાં આવ્યા હતા. જે મેં બતાવ્યા ત્યારે તેણે નંબર અને પાછળનો નંબર પણ લઈ લીધો હશે. તેણે બેન્ક સ્ટેટમેન્ટ પણ વાંચવાનું કહ્યું હતું. અને એનઓસી ના મળે ત્યાં સુધી ફોન કટ નહીં કરવા સૂચના આપી હતી.
મહિલાએ ઘરે જઈને દરવાજો બંધ કરી અધિકારીના સ્વાંગમાં વાત કરતા ઠગ સાથે વાત કરી હતી. ઠગે પહેલા એક રૂપિયો ટ્રાન્સફર કરાવ્યો હતો ત્યારબાદ 98 રૂપિયા કરાવ્યા હતા. ત્યાર પછી તેણે 10.97 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ રકમ તરત જ રીવર્ટ થઈ જશે તેમ કહ્યું હતું પરંતુ ત્યાર પછી વીડિયો કોલ કટ થઈ ગયો હતો. જેથી મારી સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતાં સાયબર સેલ ને ફરિયાદ કરી હતી.