ઓનલાઇન ઠગોએ બોગસ કંપની બનાવી વડોદરાની રિક્રુટમેન્ટ કંપની પાસે 38 લાખ ઠગી લીધા
Vadodara Fraud Case : ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકીએ યુએસ બેઝ કંપની બનાવી જોબના નામે વડોદરાની રિક્રુટમેન્ટ કંપની સાથે 38 લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ બન્યો છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં અલ-બરુજ ખાતે રહેતા અને વડોદરામાં આટલાદરા નારાયણ વાડી નજીક લેન્ડમાર્કમાં એસ્ટ્રિક્સ રિસોર્સિસ પ્રા.લિ. રિક્રુટમેન્ટ કંપની ધરાવતા રઝિનખાન પઠાણે પોલીસને કહ્યું છે, તા.7-8-2024 ના રોજ અમારી કંપની પર દીપ પટેલના નામે એક મેલ આવ્યો હતો.
દીપે તેનો બાયોડેટા મોકલ્યો હતો અને પોતે ફ્લોરિડામાં રહેછે, ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને કોમ્પ્યુટર એન્જિનિયર છે તેમ કહી જોબ માટે વાત કરી હતી. અમારી કંપની તરફથી પ્રોસીજર કરીને જુદી-જુદી કંપનીઓનો રેફરન્સ આપવામાં આવ્યો હતો. પરંતુ તેણે ઇન્ટરવ્યૂ આપ્યા ન હતા.
દીપ પટેલે ફ્લોરિડાની ITSSI કંપનીમાં ઇન્ટરવ્યૂ આપતા સિલેક્ટ થયો છે તેમ કહ્યું હતું અને ત્યારબાદ આ કંપનીના એન્ડોનિયા નામના મેનેજર અમારી કંપની સાથે વધુ વાતચીત કરી હતી. દીપ પટેલની નોકરી કન્ફર્મ થતા તેને પોતાના બીજા મિત્ર તીર્થ પટેલના નામે પણ આવી જ રીતે ઉપરોક્ત કંપનીમાં જોબ નક્કી કરાવી હતી.
રઝિનખાને કયું છે, ફ્લોરિડાની કંપની તીર્થ પટેલને કલાકે 45 ડોલર અને દીપ પટેલ કલાકે 40 ડોલર આપવાનું નક્કી કર્યું હતું. જ્યારે અમારી સાથે 65 ડોલર પ્રમાણે સેલેરી નક્કી કર્યો હતો. બંને જણા અમોને રોજે રોજ વર્કશીટ પણ મોકલતા હતા. ત્યારબાદ ઉપરોક્ત કંપનીએ અમને બંને કર્મચારીઓને સેલેરી ચૂકવવા કહ્યું હતું. જેથી અમે 44,970 ડોલર એટલે કે ભારતીય ચલણના 38 લાખનું પેમેન્ટ કર્યું હતું. પરંતુ ત્યારબાદ ITSSI કંપની અમને પેમેન્ટ આપ્યું ન હતું. જેથી તપાસ કરતા ઉપરોક્ત કંપની ઠગોએ જ ઊભી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી સાયબર સેલે ગુનો દાખલ કર્યો છે.