કોર્પોરેશનના કર્મચારી સાથે કિસાન આવાસ યોજનાનો હપ્તો મેળવવા જતા ઓનલાઇન ઠગાઇ
ઓટીપી શેર ના કર્યો છતાં પણ બેંક એકાઉન્ટમાંથી રૃપિયા ડેબિટ થયા ઃ રૃા.૮ હજાર મેળવવા જતા ૫૦ હજાર ગુમાવ્યા
વડોદરા, તા.23 કિસાન આવાસ યોજનાનો હપ્તો મેળવવા માટેના પ્રયાસમાં કોર્પોરેશનનો કર્મચારી ઓનલાઇન ઠગાઇનો ભોગ બન્યો હતો. કર્મચારીએ ઓટીપી શેર કર્યો ના હોવા છતાં બેંકના ખાતામાંથી બારોબાર રૃપિયા ઉપડી ગયા હતાં.
હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલી વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેતા યક્ષ સંજયકુમાર જોષીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગમાં એરપોર્ટ બુસ્ટર ખાતે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરું છું. તા.૧૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હું ઘેર હતો ત્યારે મારા મોબાઇલમાં ગુગલ ક્રોમ એપ્લિકેશન ઓપન કરી હતી. વર્ષ-૨૦૧૮થી કિસાન આવાસ યોજનાના રૃા.૮૦૦૦ વાર્ષિક રકમ મળતી હતી પરંતુ વર્ષ-૨૦૨૨થી બંધ થતા તેને ચાલુ કેવી રીતે કરવી તે માટે સર્ચ કર્યું હતું.
કિસાન વિકાસ યોજનાની વેબસાઇટ ઓપન કરતા વિવિધ વિગતો મળી હતી અને તેમાં દર્શાવેલ હેલ્પલાઇન પર મેં ફોન કર્યો ત્યારે સામેથી હું શું સહાય કરી શકું તેમ પૂછતા મેં છેલ્લા એક વર્ષથી કિસાન વિકાસ યોજનાના પૈસા જમા થતા નથી તેમ કહેતાં સામેથી આધારકાર્ડ અને રજિસ્ટર મોબાઇલ નંબર માંગતા મેં આપ્યા હતાં. સામેની વ્યક્તિએ હું ડિટેઇલ ચેક કરું છું તેમ કહી તેને પાંચ મિનિટ રાહ જોવડાવી હતી અને બાદમાં કેવાયસી તેમજ બેંક ડિટેઇલ અપડેટ કરવાનું અને હું અહીથી કરાવી આપીશ તો હપ્તા આવી જશે તેમ કહ્યું હતું.
બાદમાં મેં મારા પંજાબ નેશનલ બેંકનો ડેબિટકાર્ડ નંબર આપ્યો હતો અને એની ડેસ્ક એપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરાવતાં જ મારો મોબાઇલ મેમરિંગ થઇ એક ઓટીપી આવ્યો હતો. આ ઓટીપી મેં કોઇને શેર કર્યો ના હોવા છતાં મારા બેંક ખાતામાંથી રૃા.૪૯૯૯૯ કપાતનો મેસેજ આવ્યો હતો. બાદમાં હું ગભરાઇ ગયો હતો અને એપ્લિકેશન અનઇન્સ્ટોલ બાદ મોબાઇલ રિસ્ટાર્ટ કરી હેલ્પલાઇન પર ફોન કરી પૈસા માંગ્યા તો ફરી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. આ અંગે આખરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.