વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈનો વધુ એક કેસ, ઇન્વેસ્ટરે 18 લાખ ગુમાવ્યા
Vadodara : ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરવાના એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યા છે. તાજેતરમાં એક રોકાણકાર પાસેથી 94 લાખ અને બે દિવસ પહેલા એક એન્જિનિયર પાસેથી 80 લાખ પડાવી લેવાના બનાવ બાદ વધુ એક ઠગાઈનો કિસ્સો બહાર આવ્યો છે.
વડોદરા પાસે બિલ ગામે હેપી હોમ્સમા રહેતા સમીર બેકરીવાલાએ પોલીસને કહ્યું છે કે, તા 12 ફેબ્રુઆરીના રોજ વોટ્સએપ પર મેસેજ મોકલી વાતચીત કરનાર વ્યક્તિએ સ્ટોક માર્કેટની જુદી જુદી ટીપ્સ આપી હતી. ત્યારબાદ મને ઠાકોર એકેડેમી ઓફ ફાઈનાન્સના ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો અને એક લિંક મોકલી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
ચાર મહિનાના ગાળામાં મારી પાસેથી રૂ 28.76 લાખનું રોકાણ કરાવ્યું હતું અને તેની સામે માત્ર 9.86 લાખ પરત કરી બાકીના 18.90 લાખ પરત નહીં કરીને મારી સાથે ઠગાઈ કરવામાં આવી છે. સાયબર સેલે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.