Get The App

વડોદરામાં બર્થ ડે મનાવી મધરાત્રે પાછા ફરી રહેલા મિત્રોની કાર તળાવમાં ખાબકી, એકનું મોત, બીજો બચી ગયો

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
વડોદરામાં બર્થ ડે મનાવી મધરાત્રે પાછા ફરી રહેલા મિત્રોની કાર તળાવમાં ખાબકી, એકનું મોત, બીજો બચી ગયો 1 - image


Vadodara Accident : વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈ મધરાતે ફુલ સ્પીડે જતી એક કાર તળાવમાં ખાબકતા બે મિત્રો પૈકી એકનું મોત નિપજયું હતું. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા ફાયર બ્રિગેડે એક મૃતદેહ કાઢ્યો હતો. મિત્રો બર્થ ડે મનાવીને પાછા ફરતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

રાત્રિના સાડાબાર વાગ્યાની આસપાસ ગોરવાના મુક્તિધામ પાસે આવેલા તળાવ પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ફૂલ સ્પીડે તળાવમાં ખાબકી હતી. બનાવને પગલે કેટલાક લોકો દોડી આવ્યા હતા. 

દરમિયાનમાં કારમાંથી બે યુવકો બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે પૈકી 20 વર્ષનો નીરજ ભરવાડ નામનો યુવક બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે તેનો 23 વર્ષનો મિત્ર કેતન પ્રજાપતિ બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ નીકળી શક્યો ન હતો. 

નીરજ અને અન્ય લોકોએ બામ્બુ નાખી કેતનને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે બચી શક્યો ન હતો. આ સમયે લોકો એકઠા થતા તેમની સામે જ કાર ધીમે ધીમે પાણીમાં ગરકી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે કડકડતી ઠંડીમાં એક થી દોઢ કલાકની શોધખોળ કરી મૃતદેહ શોધી કાઢ્યો હતો. બંને યુવકો લક્ષ્મીપુરા વિસ્તારના હોવાથી બનાવને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી.


Google NewsGoogle News