હરણી બોટ હોનારતને એક વર્ષ: ન્યુ સનરાઈઝ સ્કૂલ ખાતે પરિવારજનો દ્વારા પ્લે કાર્ડ, બેનરો સાથે ન્યાયની માંગણી
Harani Boat Tragedy : વડોદરા શહેર માં એક વર્ષ પૂર્વે હરણી તળાવમાં હોડી દુર્ઘટના સર્જાઈ તેને આજે એક વર્ષ પૂરું થતાં બાળકોને શ્રદ્ધાંજલિ આપવા પરિવારજનો અને ભાજપ કરણી સેના ના કેટલાક આગેવાનો ન્યુ સનરાઈઝ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ આજે શાળા ચાલુ જોતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને શાળા સંચાલકો સામે આક્ષેપ કર્યા હતા ત્યારે બીજી બાજુ શાળા સંચાલકે પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો.
વડોદરા શહેરના હરણી તળાવમાં તારીખ 18 જાન્યુઆરી2024ના રોજ સાંજના સમયે હોડી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 12 બાળકો અને બે શિક્ષિકા ના ડૂબી જતા મોત થયા હતા જેને આજે એક વર્ષનો સમય પૂર્ણ થઈ ગયો છે છતાં બાળકોને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી એટલું જ નહીં શાળાના સંચાલકો પણ આ દુર્ઘટના માટે જવાબદાર હોવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જેથી આજે વાલીઓમાં રોષ જોવામાં આવ્યો હતો.
વાઘોડિયા રોડ ખાતે ભાજપના જ એક આગેવાને ભાડે આપેલી જગ્યામાં ન્યુ સનરાઈઝ હાઇસ્કુલ કાર્યરત છે તેના બાળકોને એક વર્ષ પૂર્વે શાળાના પ્રવાસ માં હરણી તળાવ ખાતે આવેલા લેક ઝોનમાં લઈ ગયા હતા ત્યારે હોડી ડૂબી જતા 12 બાળકના અને બે શિક્ષિકાના મોત નીપજ્યા હતા આજે તે દુર્ઘટનાને એક વર્ષનો સમય થયો છે જેથી શાળા સંચાલકો સામે પગલાં ભરવાની માંગણી સાથે ન્યુ સનરાઈઝ સ્કુલ ખાતે મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો પ્લે કાર્ડ અને બેનર સાથે ન્યાયની માંગણી કરવા એકઠા થયા હતા અને શાળા સંચાલકો અને પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે જે રીતે જ દુર્ઘટના બની તે સમયે શાળા સંચાલક એવું કહેતા હતા કે મારા બાળકોના મોત થયા છે અને હવે જ્યારે હાઇકોર્ટે હુકમ કર્યો છે અને જિલ્લા કલેકટર કચેરી ખાતે કેસ ચાલી રહ્યો છે ત્યારે શાળા સંચાલક દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અમારી કોઈ જવાબદારી નથી તે કેટલું યોગ્ય છે.
આજે હરણી દુર્ઘટના ને એક વર્ષ થયું છે ત્યારે મૃતક બાળકોના પરિવારજનો સાથે ભાજપના કોર્પોરેટર આશિષ જોષી સહિત વોર્ડ નંબર 15 ના કોર્પોરેટરો અને કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ પણ જોડાયા હતા અને બાળકોને ન્યાય અપાવવાની માંગણી કરી હતી.