એક તરફી પ્રેમમાં ભાન ભૂલેલા છોકરાએ પરિણીતાના પતિ પર હુમલો કર્યો
Vadodara Crime : વડોદરાના આજવા રોડ પર રહેતા અને ગલ્લો ચલાવતા યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 9મી સપ્ટેમ્બરે રાત્રે 9:30 વાગે મારા નાના ભાઈની પત્ની સાથે સ્કૂલમાં ભણતો એક છોકરો મારા ભાઈની પત્ની સાથે મિત્રતા રાખવા તથા વાતચીત કરવાનું કહી અવારનવાર હેરાન કરતો હતો. અનેક વખત તે રસ્તામાં મારા ભાઈની પત્નીને રોકીને બોલાચાલી કરતો હતો. જેથી મારા ભાઈની પત્નીએ મારા પિતા અને મમ્મીને રઘુકુલ સ્કૂલના નાકા પાસે બોલાવ્યા હતા અને તે સમયે બોલાચાલી થઈ હતી. તેની અદાવત રાખી તે છોકરો અવારનવાર અમારી દુકાનની આજુબાજુમાં ફરતો હતો.
ગઈકાલે રાત્રે 12:30 વાગે હું દુકાનમાં હતો ત્યારે ત્યારે મારા પિતા દુકાને આવ્યા હતા અને મને દુકાન બંધ કરી ઘરે આવવાનું કહ્યું હતું. તે દરમિયાન પેલો છોકરો અચાનક મારી પાસે આવી મને કહેવા લાગ્યો હતો કે તારો ભાઈ ક્યાં છે તારા ભાઈને બોલાવ અને મને ગાળો બોલવા લાગ્યો હતો. મારા ભાઈ અને તેની પત્ની આવી ગયા હતા તે છોકરાએ મારા ભાઈ સાથે ઝપાઝપી કરી માર માર્યો હોય હતો અને મારા પિતા તથા હું તેઓને છોડાવવા વચ્ચે પડતા મારા પિતાને પણ ગાળો બોલ્યો હતો. તેને કમરના ભાગે એક ચપ્પુ કાઢી મારા પર હુમલો કરતા મને ડાબા કાન પર ઈજા થઈ હતી. તેણે અમને બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.