હાઇવે પર રોડ ક્રોસ કરતા ટેમ્પાને કારની ટક્કર વાગતા એકનું મોત
ટેમ્પામાં સવાર અન્ય વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજીમાં દાખલ કરાયો
વડોદરાહાઇવે પર રોડ ક્રોસ કરતા ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત થતા ટેમ્પા ચાલક સહિત બે ને ઇજા પહોંચી હતી. જે પૈકી ટેમ્પા ચાલકનું મોત થયું છે.
વાડી સાકેત ડૂપ્લેક્સની બાજુમાં રમેશચંદ્રની ગલીમાં રહેતા ૪૯ વર્ષના દિનેશ ચતુરભાઇ ચુનારા અને નિખીલ ચુનારા થ્રી વ્હીલ ટેમ્પામાં ડુંગળી તથા બટાટાની ફેરી કરે છે.આજે સવારે સાડા સાત વાગ્યે તેઓ થ્રી વ્હીલ ટેમ્પો લઇને નીકળ્યા હતા. હાઇવે પર તરસાલીથી જાંબુવા તરફ જવાના રોડ પર મહાસાગર હોટલ પાસે સવારે ૧૦ વાગ્યે તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે સમયે લેન્ડરોવર કારના ચાલકે ટેમ્પાને ટક્કર મારતા દિનેશ તથા નિખીલને ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. દિનેશને બંને પગે, બંને હાથે તથા માથામાં ઇજાઓ પહોંચી હતી અને બેભાન થઇ ગયો હતો. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યારે નિખીલને મોંઢાના ભાગે ઇજાઓ થતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલકની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.