વિધવા માતા મુકીને ગયા બાદ પીપલોદની જૈન હોસ્ટેલમાંથી બે પૈકી એક પુત્ર ગુમ
- રાતભર પોલીસની દોડધામ વચ્ચે સવારે અચાનક જ ગુમ થયેલા 10 વર્ષના પુત્રએ માતાને ફોન કરી સહારા દરવાજા હોવાની જાણ કરી
- હોસ્ટેલમાં મુકીને ઘરે જઇ રહેલી માતાને મળવા પાછળ-પાછળ દોડયો પરંતુ માતા રીક્ષામાં બેસીને નીકળી ગઇઃ મોપેડ ચાલક પાસે લીફટ લઇ સહારા દરવાજા પહોંચ્યો અને રાતે પુલ નીચે સુઇ ગયો હતો
સુરત
પીપલોદની વાત્સલીયપુરમ જૈન હોસ્ટેલમાં 10 વર્ષ અને 9 વર્ષના બે પુત્રને વિધવા માતા નીકળ્યાની ગણતરીની મિનીટોમાં જ ધો. 5 માં અભ્યાસ કરતો પુત્ર ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા હોસ્ટેલનો સ્ટાફ અને ઉમરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે બીજા દિવસે સવારે 11 વાગ્યાના અરસામાં બાળક હેમખેમ સહારા દરવાજા પાસેથી હેમખેમ મળી આવતા પોલીસ અને હોસ્ટેલ સ્ટાફ તથા પરિવારે રાહતનો દમ લીધો હતો.
સુરત જિલ્લાના બારડોલીના ગંગાધરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 29 વર્ષીય વિધવા મહિલા શાલિની (નામ બદલ્યું છે) ગત રોજ ધો. 5 માં અભ્યાસ કરતા 10 વર્ષીય પુત્ર શિવમ (નામ બદલ્યું છે) અને ધો. 3 માં અભ્યાસ કરતા 9 વર્ષીય પુત્ર રાજીવ (નામ બદલ્યું છે) ને પીપલોદની વાત્સલીયપુરમ જૈન હોસ્ટેલમાં મુકીને સાંજે 5 વાગ્યે પરત ઘરે જવા નીકળી હતી. પરંતુ ત્યાર બાદ અચાનક જ શિવમ હોસ્ટેલમાંથી ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા હોસ્ટેલના વોર્ડન સહિતના સ્ટાફે શાલિનીને જાણ કરી હતી અને ત્યાર બાદ ઉમરા પોલીસમાં અપહરણની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઇ સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરાથી લઇ આજુબાજુના વિસ્તાર ઉપરાંત બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ઉપર પણ શોધખોળ કરી હતી. પરંતુ શિવમનો કયાંય પત્તો મળ્યો ન હતો. જો કે આજે સવારે અચાનક જ અજાણ્યા નંબર ઉપરથી માતા શાલિની ઉપર ફોન આવ્યો હતો અને શિવમે પોતે હાલ સહારા દરવાજા ખાતે હોવાનું જણાવ્યું હતું. જેથી તુરંત જ પીએસઆઇ મનોજ દહીંવેલકર સહિતના સ્ટાફે જે નંબર ઉપરથી કોલ આવ્યો તેનો સંર્પક કરી તુરંત જ ઘસી ગઇ હતી અને શિવમનો કબ્જો મેળવી લીધો હતો. પોલીસે શિવમની હાથ ધરેલી પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે હોસ્ટેલમાંથી પરત જઇ રહેલી મમ્મીને મળવા માટે પાછળ-પાછળ ગયો હતો. પરંતુ હોસ્ટેલના ગેટની બહારથી માતા રીક્ષામાં બેસી જતા મોપેડ ચાલક પાસે લીફ્ટ લઇ સહારા દરવાજા પહોંચ્યો હતો અને કયાં જવું તે સમજ નહીં પડતા રાતે ઓવર બ્રિજ નીચે સુઇ ગયો હતો અને સવારે અજાણ્યા રીક્ષા ચાલકને સમગ્ર બાબતની જાણ કરી તેના મોબાઇલથી કોલ કર્યાની હક્કીત જણાવી હતી.