લાજપોર જેલમાં ભેગા મળી એમ.ડી.ડ્રગ્સની ફેક્ટરીની યોજના ઘડનારા ત્રણ પૈકી એક ઝબ્બે
રાજસ્થાનમાં ઝડપાયેલુ એમ.ડી.ડ્રગ્સનું રો મટીરીયલ અગાઉઝડપાયેલા સુનિલ કૌશિકે જેલમાંથી ફોન કરી હરિયાણામાં રહેતા પિતા પાસે મંગાવી છુપાવ્યું હતું : વાપીમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા બ્રિજેશ જૈનની પુછપરછના આધારે ક્રાઈમ બ્રાન્ચે લાજપોર જેલમાં રેઇડ કરી સુનિલ કૌશિકને મોબાઈલ ફોન સાથે ઝડપી લેતા નેટવર્કનો પર્દાફાશ થયો
ડીઆરઆઈએ ત્રણ વર્ષ અગાઉ 7.694 કિલોગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે પકડેલા સુનિલે અગાઉ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા વિરામણી ઉર્ફે અન્ના અને ઘનશ્યામ મુલાણી સાથે મળી એમ.ડી.ડ્રગ્સ બનાવવા આયોજન કર્યું હતું
- રાજસ્થાનમાં ઝડપાયેલુ એમ.ડી.ડ્રગ્સનું રો મટીરીયલ અગાઉઝડપાયેલા સુનિલ કૌશિકે જેલમાંથી ફોન કરી હરિયાણામાં રહેતા પિતા પાસે મંગાવી છુપાવ્યું હતું : વાપીમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા બ્રિજેશ જૈનની પુછપરછના આધારે ક્રાઈમ બ્રાન્ચે લાજપોર જેલમાં રેઇડ કરી સુનિલ કૌશિકને મોબાઈલ ફોન સાથે ઝડપી લેતા નેટવર્કનો પર્દાફાશ થયો
- ડીઆરઆઈએ ત્રણ વર્ષ અગાઉ 7.694 કિલોગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે પકડેલા સુનિલે અગાઉ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા વિરામણી ઉર્ફે અન્ના અને ઘનશ્યામ મુલાણી સાથે મળી એમ.ડી.ડ્રગ્સ બનાવવા આયોજન કર્યું હતું
સુરત, : સુરતની હાઈટેક લાજપોર જેલમાં ભેગા મળી એમ.ડી.ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરવા યોજના ઘડનારા ત્રણ આરોપી તેમની યોજના સંપૂર્ણ અમલમાં મૂકે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે તેનો પર્દાફાશ કરી બે દિવસ અગાઉ રાજસ્થાનના પાલીના પાતી ગામમાં એક ઘરના વાડામાંથી એમ.ડી.ડ્રગ્સ બનાવવાનું 10.861 કિલોગ્રામ રો મટીરીયલ કબજે કર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે યોજના બનાવનારા હાલ લાજપોર જેલમાં બંધ સુનિલ કૌશિક, લાજપોર જેલમાંથી પેરોલ મેળવી ફરાર થયેલા વિરામણી ઉર્ફે અન્ના અને ઘનશ્યામ મુલાણી પૈકી ઘનશ્યામ મુલાણીની ધરપકડ કરી છે.જયારે સુનિલે જેલમાંથી ફોન કરતા રો મટીરીયલ મોકલનાર સુનિલના પિતાને વોન્ટેડ જાહેર કર્યા છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચને એવી હકીકત મળી હતી કે ડીઆરઆઈએ ત્રણ વર્ષ અગાઉ 7.694 કિલોગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે પકડેલો અને હાલ લાજપોર જેલમાં બંધ સુનિલ કૌશિક લાજપોર જેલમાંથી ફોન દ્વારા હરિયાણાના ભિવાની ખાતે રહેતા તેના પિતા ગજાનંદ શર્મા સાથે સંપર્કમાં રહી એમ.ડી.ડ્રગ્સ બનાવવા માટેનું રો મટીરીયલ રાજસ્થાન મંગાવી બાદમાં એમ.ડી.ડ્રગ્સ તૈયાર કરી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘુસાડે છે.તેની આ તમામ ગતિવિધિ અંગે વાપીમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા બ્રિજેશ જૈનને માહિતી હોવાનું ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળતા ક્રાઈમ બ્રાન્ચે તેની પુછપરછના આધારે રાજસ્થાન પોલીસ સાથે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજસ્થાન પાલીના પાતી ગામમાં એક ઘરના વાડામાંથી એમ.ડી.ડ્રગ્સ બનાવવાનું 10.861 કિલોગ્રામ રો મટીરીયલ કબજે કર્યું હતું.
જયારે ક્રાઈમ બ્રાન્ચે તે અરસામાં જ લાજપોર જેલના સ્ટાફ સાથે મળી મંગળવારે રાત્રે બેરેક નં.એ/6/3 પાસે તેમાં રાખવામાં આવેલા આરોપીઓ પૈકી સુનિલ કૌશિક ગજાનંદ શર્મા ( ઉ.વ.42 ) પાસેથી એક મોબાઈલ ફોન કબજે કરી તપાસ શરૂ કરતા ખુલાસો થયો હતો કે સુનિલે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષ અગાઉ એક કિલોગ્રામથી વધુ એમ.ડી.ડ્રગ્સ સાથે પકડેલા અને લાજપોર જેલમાં બંધ વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા અને કતારગામમાં બનેવીની હત્યાના ગુનામાં ઝડપાયા બાદ લાજપોર જેલમાં બંધ ઘનશ્યામ મુલાણી સાથે મળી એમ.ડી.ડ્રગ્સ બનાવવા આયોજન કર્યું હતું.તે માટે તેઓ ઉમરગામમાં ફેક્ટરી શરૂ કરી ત્યાં એમ.ડી.ડ્રગ્સ તૈયાર કરી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘુસાડવાનું આયોજન કરી રહ્યા હતા.તે માટે જ તેમણે રો મટીરીયલ મંગાવીને રાજસ્થાનમાં છુપાવ્યું હતું.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પોલીસે જે રો મટીરીયલ ઝડપી પાડયું છે તેને પ્રોસેસ કરી એમ.ડી,.ડ્રગ્સ બનાવવામાં આવતે તો તે અંદાજીત રૂ.8 થી 9 કરોડનું બનતે.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી લાજપોર જેલમાંથી ડ્રગ્સ બનાવવા માટે ફરાર થયેલા વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા અને ઘનશ્યામ મુલાણી પૈકી ઘનશ્યામ અશ્વિનભાઈ મુલાણી ( ઉ.વ.34, રહે.ઘર નં.130, રાજનંદિની સોસાયટી, વેલંજા, ઉમરા ગામ, કામરેજ, સુરત. મૂળ રહે.રંઘોળા, તા.ઉમરાળા, જી.ભાવનગર ) ની સુરતમાંથી ધરપકડ કરી હતી.જયારે સુનિલ કૌશિક વિરુદ્ધ જેલમાંથી મોબાઈલ ફોન મળવા અંગે અલગ ગુનો નોંધી તેને ઉપરાંત તેના પિતા ગજાનંદ શર્મા અને વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગાને આ પ્રકરણમાં વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાજપોર જેલમાં એમ.ડી.ડ્રગ્સ બનવાવાનો પ્લાન બનાવ્યા બાદ બે આરોપીએ પેરોલ જમ્પ કર્યા
સુનિલને પણ વિથ પ્રોટેક્શન પેરોલ મળતા તે બહાર નીકળ્યો નહોતો અને જેલમાં જ રહી નેટવર્ક શરૂ કર્યું હતું
સુરત, : ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે લાજપોર જેલમાં લગભગ એક જે સમયે આવેલા સુનિલ કૌશિક, ઘનશ્યામ મુલાણી અને વીરામણી ઉર્ફે અન્ના પાંડુરંગ પૈકી અન્નાને રો મટીરીયલમાંથી એમ.ડી.ડ્રગ્સ બનાવતા આવડે છે.અગાઉ તે જે કેસમાં પકડાયો હતો તેમાં ઝડપાયેલા મનોજ પાટીલે ડ્રગ્સની ફેક્ટરી રાયગઢ અને કામરેજમાં શરૂ કરી હતી.તે જેલમાંથી પેરોલ મેળવી ફરાર થયો હોય તેનો સંપર્ક કરી ફેક્ટરી શરૂ કરવા એમ.ડી.ડ્રગ્સ બનવાવાનો પ્લાન બનાવ્યા બાદ પહેલા અન્ના અને બાદમાં ઘનશ્યામ પેરોલ જમ્પ કરી ફરાર થયા હતા.સુનિલે પણ પેરોલ મેળવવા અરજી કરી હતી.પણ તેને વિથ પ્રોટેક્શન પેરોલ મળતા તે બહાર નીકળ્યો નહોતો અને જેલમાં જ રહી નેટવર્ક શરૂ કર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચને આશંકા છે કે આ પ્રકરણમાં મનોજ પાટીલની પણ સંડોવણી છે.
રો મટીરીયલ મંગાવી રાજસ્થાનમાં 12 કિલો એમ.ડી ડ્રગ્સ બનાવી વેચ્યું હતું
સુરત, : ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે સુનિલ કૌશિક, ઘનશ્યામ મુલાણી અને વીરામણી ઉર્ફે અન્ના પાંડુરંગે અગાઉ પણ સુનિલના પિતા પાસેથી રો મટીરીયલ મેળવી 12 કિલો એમ.ડી,ડ્રગ્સ રાજસ્થાનમાં બનાવી વેચ્યું હતું.ડીઆરઆઈએ સુનિલને પકડયો તે પછી પણ તેની પાસે પડી રહેલા રો મટીરીયલમાંથી આ જથ્થો બનાવ્યો હોવાની શક્યતા છે.
સુનિલના પિતાએ બ્રિજેશને ભિવાની બોલાવી પાર્સલ સુરતમાં આપવા કહ્યું હતું પણ ગભરાઈને તેણે મિત્ર પરબતસિંગના ઘરે મૂક્યું હતું
સુરત, : ક્રાઈમ બ્રાન્ચને જેની પુછપરછમાં સુનિલ કૌશિક અંગે વિગતો મળી તે મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની અને હાલ સુરતમાં અડાજણ મોરારજી ગાર્ડનની બાજુમાં એસએમસી આવાસમાં રહેતા બ્રિજેશ જૈને ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું હતું કે તે જેલમાંથી છૂટ્યો ત્યારે સુનિલે તેના પિતાનો મોબાઈલ નંબર આપી તેમના સંપર્કમાં રહેવા કહેતા તે અવારનવાર તેમનો સંપર્ક કરતો હતો.ગજાનંદ શર્માએ તેને ફોન કરી ભિવાની બોલાવી પાર્સલ આપ્યું હતું અને તે સુરત પહોંચી એક વ્યક્તિને ફોન કરી આપવા કહ્યું હતું.જોકે, સુરત આવવા નીકળેલા બ્રિજેશને પાર્સલ અંગે શંકા જતા તેણે ગજાનંદ શર્માને ફોન કરી પરત લઈ જવા કહ્યું હતું.ગજાનંદ શર્માએ બે દિવસ લાગશે તેવું કહેતા બ્રિજેશે પાલી જીલ્લામાં જોધપુર હાઇવે પર તેના મિત્ર પરબતસિંગના ઘરે મૂકી દીધું હતું.જે ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યું હતું.