ડિજિટલ એરેસ્ટના પ્રકરણમાં વધુ એક શખ્સની ઈન્દોરથી ધરપકડ
સાડા ત્રણ માસ પૂર્વે બિલ્ડર સાથે થઈ હતી રૂા. ૧૫ લાખની ઠગાઈ
ચકચારી પ્રકરણમાં બે શખ્સો ઝડપાયા બાદ ટ્રાન્સફર વોરંટથી ઈન્દોરની જેલમાં રહેલાં ઈસમને પણ ઝડપી લેવાયો : આરોપી એક દિવસના રિમાન્ડ પર
બનાવની વિગત એવી છે કે, શહેરના મહિલા કોલેજ નજીક રહેતાં અને હાલ પુણે માં કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા મયુરભાઇ જીવરાજભાઇ પટેલને અંદાજે સાડા ત્રણ માસ પૂર્વે અજાણ્યા ઇસમોએ તેમના નામના પાર્સલમા ડ્રગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ આવી હોવાનુ જણાવી ધમકાવ્યા હતા અને અજાણ્યા શખ્સોએ પોતે સીબીઆઇ તથા પોલીસમા હોવાની ખોટી ઓળખ આપી, મયુરભાઇના નામનો ઇડી તથા સુપ્રીમકોર્ટના બનાવટી લેટર તથા વોરંટ મોકલી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. અને તેમની પાસેથી સિક્યુરીટી ડિપોઝીટના નામે કુલ રકમ રૂ.૧૫ લાખ મેળવી છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યો હતો.આ બનાવ મયુરભાઈની ફરિયાદના આધારે ભાવનગર રેન્જના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશને છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો. બનાવ અંગે પોલીસે ઘનંજય મુકેશભાઇ પુરોહિત અને જુનેદ યારીફભાઇ વ્હોરાને ઝડપી લીધા હતા.જયારે, આજે ટીમે ઈન્દોરની જેલમાં રહેલાં અલ્તાફહુસેન મહંમદરફીક કુરેશી (ઉ.વ.૩૪,ઉમરેઠ ,જી.આણંદ )ની ટ્રાન્સફર વોરંટથીધરપકડ કરી હતી.ટીમે સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અલ્તાફે ઇન્દોરમાં પણ ડિજિટલ અરેસ્ટ કેસમાં રૂા.૧.૬૦ કરોડની છેતરપિંડી આચરી હતી
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ઈન્દોરની જેલમાંથી ટ્રાનસફર વાર્ટથી ભઆવનગર લવાયેલાં આરોપીનો ઈતિહાસ ગુન્હાહીત છે. ઝડપાયેલો અલ્તાફહુસેન મહંમદરફીક કુરેશી સામે ઇન્દોરમાં ડિજિટલ એરેસ્ટ કરી રૂા.૧.૬૦ કરોડની છેતરપિંડી આચરવાનો ગુન્હો નોંધાયો હતો. અને તે તેને ઇન્દોર અર્બન ક્રાઈમ બ્રાન્ચે ઝડપી જેલમાં ધકેલી આપ્યો હતો.