મૌલવી સાથેની ચેટના આધારે ક્રાઇમ બ્રાંચનું ઓપરેશન: હિન્દુવાદી નેતાઓની હત્યાની સોપારી કેસમાં મહારાષ્ટ્ર નાંદેડમાંથી વધુ એક પકડાયો
- મૌલવી સાથે શહેનાઝ નામે વાત કરનાર મોહંમદ અલી મોહમંદ શાબીરના 12 દિવસના રિમાન્ડઃ સોશ્લિય મિડીયાથી સંર્પકમાં આવ્યા હોવાની કબૂલાત
- નેપાળમાં કાપડનો વેપાર કરતા મોહંમદ અલીની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટની શકયતા
સુરત
હિન્દુવાદી ઉપદેશ રાણાની હત્યાની રૂ. 1 કરોડમાં નેપાળના મોબાઇલ નંબર ઉપરથી કઠોરના મૌલવીને સોપારી આપનાર બિહારી યુવાનને ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉપરાંત પૂછપરછના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નાંદેડમાં ધામા નાંખી વધુ એકને ઝડપી પાડી પોલીસ ટીમ સુરત આવવા રવાના થઇ છે.
હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને હત્યાની ધમકી આપવાના કેસમાં કઠોરના મૌલવી મહંમદ સોહેલ અબુબકર ટીમોલની ક્રાઇમ બ્રાંચ દ્વારા 11 દિવસના રિમાન્ડ મેળવી હાલમાં પૂછપરછ ચાલી રહી છે. માત્ર હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાનું જ નહીં પરંતુ દેશ વિરોધી પ્રવૃત્તિ પણ કરી રહ્યો હોવાથી એટીએસ, એનઆઇએ, આઇબી સહિતની તપાસ એજન્સીઓએ પણ મૌલવીની પૂછપરછ હાથ ધરી છે. જે અંતર્ગત મૌલવી મહંમદ સોહેલને ઉપદેશ રાણાની સોપારી નેપાળના મોબાઇલ નંબર ઉપરથી બિહારના શહેનાઝ નામના યુવાને આપી હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાંચની ટીમે બિહારમાં ધામા નાંખ્યા હતા. જયાંથી નેપાળમાં કાપડનો ધંધો કરતા શહેનાઝ ઉર્ફે મોહંમદ અલી મોહમંદ શાબીર (ઉ.વ. 25 રહે. ચક અબ્દુલ્લા બજમારા, દોહીર બુજર્ગ, મુઝફ્ફરપુર, બિહાર) ને ઝડપી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રીમાન્ડ મેળવી હવાઇ માર્ગે સુરત લઇ આવી કોર્ટમાં રજૂ કરી 12 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મૌલવી મહંમદ સોહેલ અને હિન્દુ નેતાની સોપારી આપનાર શહેનાઝ ઉર્ફે મોહંમદ અલીની પૂછપરછના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રમાં ધામા નાંખ્યા હતા. જયાંથી પોલીસે આજ રોજ શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા (ઉ.વ. 19 રહે. મહેબુબનગર નારસી, તા. નયાગાઉ, જી. નાંદેડ, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેનાઝ ઉર્ફે મોહંમદ અલીની પૂછપરછમાં મૌલવી મહંમદ સોહેલ જોડે જે રીતે સોશ્યિલ મિડીયાથી સંર્પકમાં આવ્યો હતો તે જ રીતે શકીલ સત્તાર શેખ સાથે પણ સંર્પકમાં આવ્યો હતો. ઉપરાંત હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર રચવા માટે શકીલને ઉશકેરણી કરી હતી તે અંગેની મહત્વના પુરાવા રૂપ ચેટ પણ મળી આવી છે. હાલમાં ક્રાઇમ બ્રાંચની ટીમ શકીલ સત્તાર શેખને નાંદેડથી લઇને સુરત આવવા રવાના થઇ છે અને આવતી કાલે તેને કોર્ટમાં રજૂ કરશે.
મોહંમદ અલી મોહમંદ શાબીર પાસે નેપાળની પણ નાગરિકતા
હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની હત્યાની રૂ. 1 કરોડમાં મૌલવી મહંમદ સોહેલ ટીમોલને સોપારી આપનાર મોહંમદ અલી મોહમંદ શાબીરને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો. મૌલવી સાથે નેપાળના નોબાઇલ નંબર ઉપરથી સંર્પક કરનાર મોહંમદ અલી મોહમંદ શાબીર શહેનાઝ નામે વાત કરતો હતો. પોલીસને શરૂઆતમાં એવી શંકા હતી કે શહેનાઝ ખરેખર નેપાળમાં રહે છે. પરંતુ ગુપ્તરાહે તપાસ હાથ ધરી જયારે શહેનાઝ સુધી પહોંચી ત્યારે તે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાનો રહેવાસી મોહંમદ અલી મોહમંદ શાબીર હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત તેની પાસેથી ભારતની સાથે નેપાળની પણ નાગરિકતાના પુરાવા મળ્યા છે. જેથી તે ખરેખર ભારતીય છે કે નેપાળી તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
મોહંમદ અલી મોહમંદ શાબીરના રિમાન્ડના મહત્વના મુદ્દાઓ
- હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાની રૂ. 1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી તે સોપારીની રકમ કોણ આપવાનું હતું અને તેમાં અન્ય કોણ-કોણ સામેલ છે
- મૌલવી મહંમદ સોહેલને જે સીમકાર્ડ મોહંમદ અલીએ આપ્યા હતા તે કયાંથી લાવ્યો હતો અને કઇ રીતે આપ્યા હતા
- મોહંમદ અલી પાસે ભારતની સાથે નેપાળની નાગરિકતા પણ મળી આવી છે તો ખરેખર તે કયા દેશનો નાગરિક છે અને કયા દેશની બોગસ નાગરિકતા કઇ રીતે મેળવી
- મહારાષ્ટ્રના નાંદેડના શકીલ સત્તાર શેખ સાથે કઇ રીતે સંર્પકમાં આવ્યો અને અન્ય કોણ સામેલ છે
- પાકિસ્તાની મોબાઇલ નંબરથી વાત કરનાર ડોગર ખરેખર પાકિસ્તાની છે કે પછી ભારતમાં રહે છે અને પાકિસ્તાની નંબરનો વપરાશ કરે છે