પાટડીના નવરંગપુરા નજીક બે બાઇક અથડાતા એકનું મોત
- અકસ્માતમાં એક શખ્સ ઇજાગ્રસ્ત, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
સુરેન્દ્રનગર : પાટડીના નવરંગપુરા નજીક બે બાઇક સામસામે અથડતા એકનું મોત નિપજ્યું છે. જ્યારે અકસ્માતમાં બીજા એક બાઇકસાવર ઇજા પહોંચી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાટડી તાલુકાના નવરંગપુરા ગામે રહેતા લાલજીભાઇ દિલીપભાઇ કોરડીયા તારીખ ૯ ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે બાઇક લઇ વાડીએથી પરત આવી રહ્યાં હતાં. તે દરમિયાન સામેથી બાઇક લઇ આવતા દિનેશભાઇ દાનાભાઇના બાઇક સાથે અથડાતા લાલજીભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે લાલજીભાઇને મૃત જાહેર કર્યા હતાં. જ્યારે અન્ય બાઇકના ચાલક દિનેશભાઇ દાનાભાઇને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મૃતક લાલજીભાઇના ભાઇ મનુભાઇ કોરડીયાએ દસાડા પોલીસ મથકે અકસ્માત સર્જનાર અન્ય બાઇક ચાલકના દિનેશભાઇ દાનાભાઇ વિરૂધ્ધ ગુનોે નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.