ખાટલા પર બેઠેલા બે વ્યક્તિઓ ઉપર કાર ચઢાવી દેતા એકનું મોત
પેટલાદના વિશ્નોલીમાં બે પરિવારો ઝઘડયાં
અન્ય બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા ઃ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, ગુનો નોંધવા તજવીજ
વિશ્નોલી ગામે ઈન્દિરા કોલોની વિસ્તારમાં લઘુમતિ કોમના બે પરિવારો વચ્ચે ગુરૂવારે બપોરે ઘર નજીક આવેલું જાંબુનું ઝાડ કાપવા બાબતે માથાકુટ થઈ હતી. જેથી ગામમાં રહેતા ઈશ્વરભાઈ ધુળાભાઈ ઠાકોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ખાટલામાં બેઠા હતા. દરમિયાન તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક શખ્સ પુરઝડપે કાર લઈને આવ્યો હતો અને ખાટલામાં બેઠેલા ઈશ્વરભાઈ સહિત બે વ્યક્તિઓ ઉપર કાર ચઢાવી દીધી હતી. પરિણામે ઈશ્વરભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ઈશ્વરભાઈ પોતાના મિત્રના ઘરે બેસવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. ત્યારબાદ પણ બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક વ્યક્તિને માથામાં ધારિયું વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે એક વ્યક્તિને પગે ઈજા થઈ હતી. આ બનાવને પગલે પેટલાદ ડીવાયએસપી અને મહેળાવ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને કરમસદ અને પેટલાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મહેળાવ પોલીસે એડી નોંધવા તજવીજ હાથ ધરી છે.