લીંબડીયા પાસે ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત : બે ઘાયલ
ગાંધીનગર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર
દાણીલીમડાના મિત્રો રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા તે ત્યારે અકસ્માત નડયો : ડભોડા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા નરોડા હાઇવે ઉપર આજે વહેલી પરોઢે રોડ સાઈડમાં ઊભેલી ટ્રકમાં પૂર ઝડપે આવી રહેલી કાર ઘુસી જતા તેમાં સવાર ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જે પૈકી એકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે અન્ય બે ઘાયલોને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જે સંદર્ભે ડભોડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા નરોડા હાઇવે ઉપર લીંબડીયા પાસે આજે વહેલી પરોઢે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં કાર સવાર વ્યક્તિનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા આસિફ પઠાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, આજે સવારના સમયે તે ઘરે હાજર હતો તે દરમિયાન તેની બહેનનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે તારા જીજાજી મિજાજભાઈનું અકસ્માત થયું છે અને જેના પગલે તેઓને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં અમદાવાદ સિવિલ લઈ જવાયા છે જેથી આસિફ પઠાણ તુરંત જ બહેન સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તેના જીજાજી મિજાજભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તે તેમજ તેમના સાળા કદિયુરહેમાન તેમજ મિત્ર ઈરફાનભાઇ મિર્ઝા રાજસ્થાન બિચ્છુવાળા ગયા હતા અને જ્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કાર ઈરફાન મિર્ઝા ચલાવી રહ્યા હતા અને વહેલી પરોઢે રોડ સાઈડમાં ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કદિયુરહેમાનનું શરીરે ગંભીર ઈજાઓ કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું. જેથી અકસ્માતની આ ઘટના અંગે હાલ ડભોડા પોલીસ દ્વારા કારના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.