મોડીરાતે હાઇવે પર નશેબાજ કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારતા એકનું મોત
ટેમ્પો રોડ પર પલટી ખાઇ જતા ત્રણને ઇજાઃ અકસ્માત કરનાર કાર ચાલક હોસ્પિટલમાંથી ફરાર
વડોદરા,હાઇવે પર નશેબાજ કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો. ટેમ્પામાં બેઠેલા ત્રણ પૈકી એક વ્યક્તિનું મોત થયું હતું. કારમાંથી પોલીસને દારૃની એક બોટલ પણ મળી આવી હતી. કપુરાઇ પોલીસે અકસ્માત અને પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે રહેતા ભગવંતસિંહ છગનભાઇ ઝાલા ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે રાતે આઠ વાગ્યે તેઓ ટેમ્પો રિક્ષા લઇને ખેતરમાંથી રીંગણા ભરીને પરાગભાઇ મહેશભાઇ ઝાલા તથા મિત્ર રમણભાઇ ડાહ્યાભાઇ ઝાલા સાથે વડોદરા એ.પી.એમ.સી. માર્કેટ આવવા માટે નીકળ્યો હતો.રાતે સાડા દશ વાગ્યે તેઓ એ.પી.એમ.સી. માર્કેટથી થોડે દૂર એક કાર ચાલકે તેની કાર ટેમ્પાને પાછળના ભાગે ધડાકાભેર અથાડતા ટેમ્પો પલટી ખાઇને થોડે દૂર સુધી ઢસડાયો હતો. ટેમ્પાના દરવાજા ખુલી જતા ભગવંતસિંહ સહિત ત્રણેય બહાર ફંગોળાઇ ગયા હતા. ભગવંતસિંહ તથા પરાગભાઇએ ઉભા થઇને જોયું તો રમણભાઇ ઝાલા રોડની બાજુમાં બેભાન હાલતમાં પડેલા હતા. તેમના મોંઢા તથા આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત કરનાર કારનો ચાલક તેઓની પાસે આવ્યો હતો તેના મોંઢામાંથી દારૃ પીધેલાની વાસ આવતી હતી. તે લથડિયા ખાતો હતો. દરમિયાન એમ્બ્યુલન્સ આવી જતા એટન્ડન્ટ પરાગભાઇ, રમણભાઇ તથા કારના ચાલકને ને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન રમણભાઇ ઝાલાનું મોત થયું હતું. જ્યારે કારનો ચાલક હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો.