એક સાઈકલ ટ્રેકના ઠેકાણા નથી અને કોર્પોરેશનને હવે બીજો બનાવવો છે
સમા કેનાલથી છાણી કેનાલ સુધી ૧૦.૪૦ કરોડના ખર્ચે સાઈકલ ટ્રેક અને જોગિંગ ટ્રેક બનાવવા દરખાસ્ત
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોેરેશને રૃા. ૧.૮૮ કરોડના ખર્ચે શહેરના પૂર્વ વિસ્તારમાં કહેવાતો સાઈકલ ટ્રેક બનાવ્યો છે. હાલ આ સાઈકલ ટ્રેક શોધ્યે જડે તેમ નથી. ટ્રેક પર જ ખોદકામ અને ગેરકાયદે દબાણો થઈ ગયા છે અને સાઈકલ ચલાવી શકાય તેવી કોઈ સ્થિતિ નથી. કોર્પોરેશનની વિના વિચાર્યે કરેલી આ કામગીરીની ખૂબ જ ટીકા થઈ રહી છે, આમ છતાં કોર્પોરેશનને સમા કેનાલ વિસ્તારમાં બીજો એક સાઈકલ ટ્રેક બનાવવાના ધખારા અભરખા ઉપડયા છે.
કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં આ માટે એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં સમા કેનાલથી છાણી કેનાલ સુધી આશરે ૩ કિલોમીટરનો સાઈકલ ટ્રેક, જોગિંગ ટ્રેક સહિત બનાવવાનો ખર્ચ રૃ.૧૦.૪૦ કરોડ થશે. આ કામગીરી વ્યવસાય વેરાની વર્ષ ૨૦૨૩-૨૦૨૪ ની ગ્રાન્ટ તથા ભારત સરકારના જાહેર સાહસની કંપનીના ૩.૦૨ કરોડના સીએસઆર ફંડમાંથી કરવામા આવશે.
આ ટ્રેક જયાં બનાવવાનો છે, તે વોર્ડ નં. ૧ ના કોંગ્રેસના કોર્પોરેટરે કહ્યું છે કે, વડોદરામાં સાઈકલ ટ્રેક અને જોગિંગ ટ્રેક અગાઉ બની ચૂકયા છે, એની પાછળ ખર્ચેલા રૃપિયા પાણીમાં ગયા છે. સાઈકલ ટ્રેક અને જોગિંગ ટ્રેકની જગ્યા પર પાર્કિંગ અને લારીગલ્લાઓ ઉભા થઈ ગયા છે. સીએસઆર ફંડમાંથી રૃપિયા વપરાય એનો વાંધો નથી, પણ વ્યવસાયવેરાની ગ્રાન્ટના રૃ. ૭,૩૮,૦૪,૨૫૦ આવા આવા કામ માટે વાપરવામાં આવે છે તેની સામે સખત વિરોધ છે. હાલ વોર્ડ વિસ્તારમાં ગટર, પાણી, રોડ-રસ્તા ઉપરાંત અનેક લોકસુવિધાના જરૃરી કામો કરવાના હજી બાકી છે. આ કામો બજેટ ના હોવાના લીધે પેન્ડીંગ છે. વ્યવસાય વેરાન ગ્રાન્ટનો ઉપયોગ જરૃરી કામોમાં કરવો જોઈએ. રૃપિયા સાઈકલ ટ્રેક અને જોગિંગ ટ્રેક પાછળ વાપરવાને બદલે રદ્દ કરવા તેમણે માગણી કરી હતી.