ચિલોડા સર્કલ પાસે વિદેશી દારૃના જથ્થા સાથે એક પકડાયો
જિલ્લામાં વધતી જતી દારૃની હેરાફેરી વચ્ચે
પોલીસે થેલામાંથી ૬૫ દારૃની બોટલો મળીને ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લીધો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા સર્કલ પાસેથી વિદેશી દારૃના જથ્થા સાથે રાજકોટના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને ૬૫ જેટલી વિદેશી દારૃની બોટલ મળીને કુલ ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી હતી.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે મોટા બુટલેગરોના વાહનો પોલીસ
દ્વારા ઝડપી લેવામાં આવે છે. જેના કારણે ખાનગી વાહનોમાં ખેપ મારફતે વિદેશી દારૃની
હેરાફેરી કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા
પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી કે, ચિલોડા સર્કલ
પાસે એક શખ્સ થેલામાં વિદેશી દારૃના જથ્થા સાથે પસાર થઈ રહ્યો છે. જે બાતમીના પગલે
પોલીસ ટીમ ત્યા પહોંચી હતી અને આ શખ્સને ઝડપી લીધો હતો. જેની પાસે રહેલા ત્રણ
થેલાઓમાં તપાસ કરતા વિદેશી દારૃની ૬૫ જેટલી બોટલ મળી આવી હતી. આ શખ્સની પૂછપરછ
કરવામાં આવતા તે રાજકોટ ગુરુપ્રસાદ ચોક પાસે બાલકૃષ્ણ વિદ્યાલયની પાછળ રહેતો
કિરપાલસિંહ ઉદયસિંહ ઝાલા હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી ૪૦ હજારનો દારૃ
અને ફોન મળી કુલ ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો અને
દારૃનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેમજ કોને આપવાનો હતો તે જાણવા માટે પણ તપાસ શરૃ
કરવામાં આવી હતી.