યુવાનને હનીટ્રેપમાં ફસાવી દોઢ લાખ પડાવ્યા : 3 સામે ગુનો

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
યુવાનને હનીટ્રેપમાં ફસાવી દોઢ લાખ પડાવ્યા : 3 સામે ગુનો 1 - image


માલવિયાનગર પોલીસે અરજીના કામે બોલાવતા આરોપીઓએ સરખો જવાબ નહીં દેતા આખરે ગુનો દાખલ

રાજકોટ, : રાજકોટમાં એક યુવકે જ બીજા યુવકને હનીટ્રેપમાં ફસાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્રણેય શખ્સોની ટોળકીએ યુવકને ધાકધમકી આપી  રૂા. 1.50 લાખ પડાવી લીધા હતા. આખરે મામલો માલવિયાનગર પોલીસમાં પહોંચતાં ગુનો નોંધાયો છે. ત્રણેય આરોપીઓ ભાગી જતાં પોલીસે શોધખોળ જારી રાખી છે.

કોઠારીયા સોલવન્ટ પાસે ઓમનગર સોસાયટી શેરી નં. 1માં રહેતો અજય ભગવાનજી ચૌહાણ (ઉ.વ. 32) કોમ્પ્યુટર એકસેસરીઝની દુકાનમાં નોકરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે ગઇ તા. 18સપ્ટેમ્બરના રોજ બપોરે તે અંકુરનગર મેઇન રોડ પર હતો ત્યારે ભાર્ગવ નામનો યુવક મળ્યો હતો. જે તેને અગાઉ પણ એકવાર મળ્યો હતો. ભાર્ગવે તેને ઘરે ચા પીવા આવવાનું કહેતા તેની સાથે નજીકમાં આવેલા સિટી સિલ્વર એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટ નં. 405માં પહોંચ્યો હતો.

જ્યાં ભાર્ગવ અને તે રૂમમાં બેઠા હતા  તેવામાં અચાનક અજાણ્યા શખ્સે આવી મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કરી કહ્યું કે તમે બંને અહીં ખોટા કામ કરવા માટે ભેગા થયા છો. ત્યારબાદ તેને ગાળાગાળી કરી છરી બતાવી પેટમાં મારી દેવાની ધમકી આપી હતી.  એટલું જ નહીં કોઇને કોલ કરી બોલાવ્યો હતો. આ પછી તેની પાસેથી રૂા. 3 લાખની માગણી કરી હતી. તેણે આટલા પૈસા નહીં હોવાનું જણાવતા છરી મારવાની ધમકી આપી તેના શર્ટના ઉપરના ખિસ્સામાંથી રૂા. 2500 કાઢી લીધા હતાં. 

એટલું જ નહીં પેન્ટના પાછળના ખિસ્સામાંથી પાકીટ કાઢી તેમાંથી ત્રણ એટીએમ કાર્ડ ઉપરાંત રૂા. 13,000 પડાવી લીધા હતાં. થોડીવારમાં ત્યાં જયદીપસિંહ જાડેજા નામનો શખ્સ આવ્યો હતો. તેને અજાણ્યા શખ્સે છરી આપી તેના મોબાઈલમાં તેની માતાના પેટીએમ એકાઉન્ટમાંથી રૂા. ૩૬૦૦ ટ્રાન્સફર કરી લીધા હતાં. ત્યારબાદ તેના એટીએમ કાર્ડ અને બાઇકની ચાવી લઇ રવાના થઇ ગયો હતો. થોડીવાર બાદ બેન્કમાંથી રૂા. ૧૬૫૦૦ ઉપડી ગયાના મેસેજ તેને મળ્યા હતાં. 

પૈસા ઉપાડયા બાદ અજાણ્યો શખ્સ પરત ફલેટે આવ્યો હતો અને તેના એટીએમ કાર્ડ ઘા કરી દીધા હતા. સાથોસાથ પૈસા માટે દબાણ શરૂ કર્યું હતું. તેને પોતાનો જીવ જોખમમાં લાગતા કટકે-કટકે પૈસા આપી દેવાની ખાતરી આપી હતી. જેને કારણે તેને ફલેટમાંથી ધક્કો મારી કાઢી મૂકી મૂક્ત કર્યો હતો.

ત્યારબાદ જયદીપસિંહે તેેન પૈસા માટે સતત દબાણ કરવાનું ચાલુ રાખી લીમડા ચોક સહિતના સ્થળોએ બોલાવી કટકે-કટકે તેની પાસેથી કુલ રૂા. 1.05 લાખ  પડાવી લીધા હતાં. આખરે કંટાળીને તેણે માલવિયાનગર પોલીસમાં અરજી આપી હતી. જેની જાણ થતાં તેને વોટ્સએપ કોલ મારફત ધમકી આપવાનું શરૂ કર્યું હતું. માલવિયાનગર પોલીસે અરજીના આધારે તપાસ કર્યા બાદ ગઇકાલે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ આઇપીસી કલમ 386, 120(બી) વગેરે હેઠળ ગુનો દાખલ કરી તપાસ જારી રાખી છે. અરજી થયા બાદ પોલીસે આરોપીઓને બોલાવતા સરખો જવાબ પણ નહીં આપ્યાનું જાણવા મળ્યું છે. જેને કારણે આખરે પોલીસે તત્કાળ ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ જારી રાખી છે. 


Google NewsGoogle News