દોઢ કરોડનું પીગ આયર્ન કંડલા પોર્ટ સુધી પહોંચે પહેલાં જ પગ કરી ગયું
તુર્કી મોકલાયેલા જથ્થામાંથી 379 ટન માલ ઓછો હોવાનું સર્વેમાં જણાતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ
ગાંધીધામ, : વરસામેડી સ્થિત કંપનીએ તુર્કી વાયા સિંગાપોર ખાતે મોકલાવેલ પિગ આયર્ન પૈકી રૂ. 1,47,81,000નો 379 ટન માલ શિપમાં ઓછો લોડ થતાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીને પિગ આયર્ન તુર્કી વાયા સિંગાપોર ખાતે એમ.વી.આઈ.એન.સી.ઈ. પેસિફિક જહાજ મારફતે મોકલવાનું હતું, જે માટે શિપમેન્ટનું કામ આદિત્ય મરીન લિ. કંપનીને સોંપવામાં આવ્યું હતું. વેલસ્પન કંપનીએ પોતાની કંપનીથી કંડલા પોર્ટ સુધી માલ લઈ જવા માટે જય અંબિકા, મિતરાજ એન્ટરપ્રાઇઝ, પ્રિન્સ એન્ટરપ્રાઈઝ, યશ એન્ટરપ્રાઈઝ, ધ્વ એન્ટરપ્રાઇઝ તથા વેસ્ટર્ન ટ્રેડલિન્ક ટ્રાન્સપોર્ટ પેઢીઓને કામ સોંપ્યું હતું. કંપનીથી પોર્ટ સુધી 870 ટ્રકના ફેરામાં 40.225 ટન પિગ આયરન પહોંચાડવામાં આવ્યું હતું. પોર્ટના વેસ્ટ ગેટ નં. 1 પાસે આવેલ આદિત્ય મરીનના (કે.આર.બી.એલ.) વે-બ્રિજ ખાતે આ વાહનોનું વજન કાંટો કરાવી પોર્ટમાં આદિત્ય મરીનના પ્લોટ નંબર 37 ઉપર આ માલ લઇ જવામાં આવ્યો હતો. અહીં પ્લોટમાં આદિત્ય મરીન તથા વેલસ્પન કંપનીના ચોકીદાર રાખવામાં આવ્યા હતા. પ્લોટથી જહાજ સુધી માલ પહોંચાડવા માટે આદિત્ય મરીને આર.કે.ટી.ની ટ્રકો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. વેલસ્પન કંપનીએ એસ.જી.એસ., આદિત્ય મરીન તથા વિસ્ટા મરીન સવસ કંપનીઓને સર્વે કરવા માટેની કામગીરી સોંપી હતી.
આ કંપનીઓએ સર્વે રિપોર્ટ આપતાં તેમાં જહાજમાં 40.225 ટનની જગ્યાએ 39,846 ટન માલ લોડ થયો હોવાનું બહાર આવ્યું હતું. આમ, 379 ટન પિગ આયરન બારોબાર ક્યાંક પગ કરી ગયું હોવાનું બહાર આવ્યું હતું. કોઇ અજાણ્યા શખ્સોએ રૂ. 1,47,81,000 નો માલ સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો હતો. ગત તા. 7-3-2023 થી 5-4-2023 દરમ્યાન બનેલ આ બનાવ અંગે વેલસ્પનના હરેન્દ્રસિંહ કિરીટસિંહ રાણાએ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.