Get The App

SMCના ઇતિહાસમાં સૌથી મોટો દોઢ કરોડનો અંગ્રેજી દારૂ પકડાયો

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
SMCના ઇતિહાસમાં સૌથી મોટો દોઢ કરોડનો અંગ્રેજી દારૂ પકડાયો 1 - image


અમદાવાદના લિસ્ટેડ બૂટલેગરે ગોડાઉન ભાડે રાખ્યું હતું : પાંચ માસમાં કરોડોનો દારૂ ઉતર્યો અને વેંચાઇ પણ ગયો : મોરબી-વાંકાનેર હાઇ-વે પરનાં ગોડાઉનમાં દરોડો

રાજકોટ, : મોરબી-વાંકાનેર હાઇ-વે પર લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા શ્રીરામ નામના ગોડાઉનમાં ગઇકાલે રાત્રે એસએમસીએ દરોડો પાડી 1.51 કરોડની કિંમતની અંગ્રેજી દારૂની 61,152 બોટલ ઝડપી લીધી હતી. દારૂનો આટલો જંગી જથ્થો મંગાવનાર તરીકે અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારનાં સુખરામનગરમાં હરિપાર્ક સોસાયટીમાં રહેતા લીસ્ટેડ બૂટલેગર જીમિત શંકર પટેલનું નામ ખુલ્યું છે. ગોડાઉનમાંથી એસએમસીએ કુલ દસ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા પાંચ માસથી આ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં આ ગોડાઉનમાં કરોડોનો દારૂનો જથ્થો ઉતરી ગયો હતો અને તેનું કટીંગ પણ થઇ ગયું હતું. મોરબી તાલુકા પોલીસની મિલીભગત છે કે કેમ તે અંગે એસએમસી તપાસ કરી રહી છે. જો મિલીભગત નહીં મળે તો ચોક્કસપણે બેદરકારી ગણાશે.જે જોતાં તાલુકા પોલીસ સામે પગલાં તોળાઇ રહ્યાનું સ્પષ્ટ બન્યું છે. અત્યાર સુધીમાં એસએમસીએ ઝડપી લીધેલો આ દારૂનો  સૌથી મોટો જથ્થો છે.

એસએમસીનાં સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીનંા આધારે પીએસઆઇ એચ.એચ. જાડેજાએ સ્ટાફનાં માણસોને સાથે રાખી ગઇકાલે રાત્રે નવેક વાગ્યાની આસપાસ શ્રીરામ ગોડાઉનમાં દરોડો પાડતાં ત્યાંથી અંગ્રેજી દારૂની 61,152 બોટલ (અંદાજે 3450 પેટી) મળી આવી હતી. 

આ ઉપરાંત રૂ. 2.50 લાખની રોકડ રકમ, 10 મોબાઈલ ફોન, 7 વાહનો અને અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. 2.20 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. 

ગોડાઉનમાંથી તેનાં સંચાલક રમેશ પુંજાભાઈ પટ્ટણી (ઉ.વ. 37, રહે. ચિત્રોડ, તા. રાપર, કચ્છ), ઉપરાંત બે ડ્રાઇવર અને સાત મજુરો મળી આવતાં તમામ દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 

આરોપીઓની પૂછપરછમાં એસએમસીને જાણવા મળ્યું કે ખરેખર આ ગોડાઉન અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારનાં લીસ્ટેડ બૂટલેગર જીમિત પટેલે પાંચ માસ પહેલા ભાડે રાખ્યું હતું. ગોડાઉનનાં માલિક મોરબીનાં લાલપરનાં ભવાનીસિંહ જાડેજા છે. તેને રૂ. બે લાખની ડિપોઝીટ આપી માસિક રૂ. 90,000નાં ભાડા પેટે ગોડાઉન ભાડે રાખી ત્યાં અંગ્રેજી દારૂનો જથ્થો ઉતારવાનું શરૂ કરાયું હતું.

સપ્લાયર તરીકે રાજસ્થાનનાં ભરત મારવાડી, રાજરામ મારવાડી અને બાડમેરનાં ઉમેશ બેનીવાલનાં નામો ખુલ્યાં છે. આ ત્રણેય સપ્લાયરો દર અઠવાડિયે 2થી 3,000 પેટી દારૂ સાથેનાં બે ટ્રકો મોકલતા હતા. જે જોતા અત્યાર સુધીમાં કરોડોનો દારૂ ગોડાઉનમાં ઉતર્યાનું અને સપ્લાય પણ થઇ ગયાનું સ્પષ્ટ બન્યું છે. ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતરતાની સાથે જ ગોડાઉનનો સંચાલક રમેશ પટ્ટણી તેનું કટીંગ કરી નાખતો હતો. મુખ્યત્વે થાન, ચોટીલા, હળવદ, મોરબી અને વાંકાનેર પંથકમાં દારૂ મોકલાતો હતો.


Google NewsGoogle News