ઝઘડતા લોકોને છોડાવવા ગયેલી મહિલા પર જ હુમલો : જાનથી મારી નાખવાની ધમકી
Vadodara Crime : વડોદરામાં ઝઘડતા લોકોને છોડાવવા વચ્ચે પડેલી મહિલાને આરોપીએ વાળ પકડી જમીન પર પાડી દીધી હતી. આરોપીએ મહિલાની પીઠ પર ચઢીને તેને માર માર્યો હતો. જે અંગે જવાહર નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર નજીકના એક ગામમાં રહેતી મહિલાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે કોયલી સરકારી હોસ્પિટલની પાછળ ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો પતંગ ચગાવતા હતા. તે દરમિયાન કોયલી ચરામાં રહેતા કિશનભાઇ રિક્ષાવાળા તથા વિજયભાઇ ચૌહાણ વચ્ચે પતંગ ચગાવવા બાબતે ઝઘડો થયો હતો. જોરજોરથી અવાજ આવતા હું ત્યાં ગઇ હતી. કિશનભાઇના ભાભી રેશમાબેન અને વિજયભાઇ વચ્ચે ઝઘડો થતો હતો. જેથી, હું રેશમાબેનને બચાવવા ગઇ હતી. વિજયભાઇએ ગાળો બોલી મારા વાળ પકડી મને નીચે પાડી દીધી હતી. તેના અન્ય મિત્રો પંકજ તથા હર્ષદભાઇ મારી પીઠ પર બેસી ગયા હતા અને માર માર્યો હતો. તેઓએ એવી ધમકી આપી હતી કે, જો પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશું.