ટીકરમાં જુના ઝઘડાનું સમાધાન માટે બોલાવી હુમલો : ત્રણને ઇજા
- ધમકી આપતા ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ
- બે દિવસ પહેલા ઘરના મોબાઈલમાં ફોન કરવાની ના પાડવા મામલે ચડભડ થઇ હતી
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ટીકર ગામ પાસે આવેલ મંદિર નજીક ત્રણ શખ્સને નજીવી બાબતે ચાર શખ્સોએ એકસંપ થઈ લાકડી, કુહાડી સહિતના હથિયારો વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર શખ્સે ગામમાં જ રહેતા ચાર શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
મુળીના ટીકર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ ઉદેશાના ભત્રીજા હિતેશભાઈ ઉદેશાના ઘરના ફોનમાં ભરતભાઈ ગંગારામભાઈ ગાળીયા અવાર-નવાર ફોન કરતા હોય તે બાબતે બે દિવસ પહેલા થયેલ બોલાચાલીનું સમાધાન કરવા રામજીભાઈ ઉદેશાના ભાઈ ઘનશ્યામભાઈ ઉદેશાને બોલાવવાનું કહેતા ફરિયાદીના ભાઈ ઘનશ્યામભાઈ ઉદેશા, ભત્રીજો હિતેશભાઈને રામાપીરના મંદિર પાસે આવ્યા હતા. દરમ્યાન ફરિયાદીના ભત્રીજા હિતેશભાઈએ ભરતભાઈ ગાળીયાને ઘરના ફોનમાં ફોન કરવા બાબતે ઠપકો આપ્યો હતો અને બીજી વાર ફોન નહીં કરવાનું જણાવતા ભરતભાઈ અને તેમના સાથે રહેલા પરિવારના સભ્યો ઉશ્કરાઈ ગયા હતા અને કુહાડી, લાકડી સહિતના હથિયારો વડે ફરિયાદી ભરતભાઈ ઉદેશા તેમના ભાઈ ઘનશ્યામભાઈ ઉદેશા અને ભત્રીજા હિતેશભાઈ ઉદેશાને મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ મુળી પોલીસ મથકે જીલાભાઈ મગનભાઈ ગાળીયા, અનિલભાઈ બાલાભાઈ ગાળીયા, છેલાભાઈ ઉર્ફે શૈલેષ જીલાભાઈ ગાળીયા અને ભરત ગંગારામભાઈ ગાળીયા તમામ રહે.ટીકર તા.મુળીવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.