રાજસ્થાન અને ભાવનગરના યુવાનો ભોગ બન્યા: યુરોપ, ન્યુઝીલેન્ડ અને સ્પેનના વિઝા તથા વર્ક પરમીટના બહાને રૂ. 28.50 લાખની છેતરપિંડી
- રીંગરોડના જે.કે. ટાવરમાં પદ્દમાવતી ઇન્ટરનેશનલ નામે ઓફિસ ધરાવનાર મહિલાનું કારસ્તાનઃ સોશ્યિલ મિડીયા ઉપર જાહેરાત જોઇ એજન્ટ થકી સંર્પક કર્યો હતો
સુરત
વાયા દુબઇ થઇ યુરોપ, ન્યુઝીલેન્ડ અને સ્પેનના વિઝા અને વર્ક પરમીટના નામે ભાવનગર અને રાજસ્થાનના 7 જણા પાસેથી રૂ. 28.50 લાખ પડાવી લઇ છેલ્લા દોઢ વર્ષથી ધક્કે ચઢાવનાર રીંગરોડ સ્થિત જે.કે. ટાવરમાં પદ્દમાવતી ઇન્ટરનેશનલની મહિલા સંચાલિકા અને વચેટીયા વિરૂધ્ધ ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.
રાજસ્થાનના બ્યાવર જિલ્લાના ભીમ તાલુકાના રાજવાગુડા ગામના રહેવાસી દાઉસિંહ સોહનસિંહ (ઉ.વ. 21) એ સુરતના રીંગરોડ સ્થિત જૂની સબજેલ નજીક જે.કે. ટાવરના પહેલા માળે આવેલી પદ્દમાવતી ઇન્ટરનેશનલ ઓફિસની સંચાલિકા ભુમિકા ભાવીક પરમાર (ઉ.વ. 25 રહે. આદર્શ સોસાયટી, સુરભી ડેરી પાસે, અડાજણ) અને વચેટીયા હરેશ વનાભાઇ બારીયા (રહે. કોળીવાડ, વાલુકડ, તા. ઘોઘા, ભાવનગર) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે 21 વર્ષીય દાઉસિંહ વિદેશ જવા ઇચ્છતો હતો અને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ઉપર વિઝા અને વર્ક પરમીટની લોભામણી જાહેરાત જોઇ વચેટીયા હરેશનો સંર્પક કર્યો હતો. હરેશે દાઉસિંહને સુરત બોલાવી ભુમીકા સાથે સંર્પક કરાવ્યો હતો. ભુમિકાએ વાયા દુબઇ થઇ યુરોપ, ન્યુઝીલેન્ડ અને સ્પેનના વિઝા અને વર્ક પરમી અપાવવાની વાત કરી હતી. જેથી દાઉસિંહે તેના વતનના મિત્ર મુકેશસીંગની મુલાકાત ભુમીકા સાથે કરાવી હતી. બીજી તરફ સોશ્યિલ મિડીયા ઉપર લોભામણી જાહેરાત જોઇ વિદેશમાં નોકરી કરવા જવા ઇચ્છતા ભાવનગરના રહેવાસી વિશાલ રાજુભાઇ કુબાવત, ચિરાગ મોરી, અલ્પેશ મકવાણા, જયદીપ દેવમુરારી અને જીવરાજ દિયોરાએ પણ હરેશ હસ્તક ભુમીકાનો સંર્પક કર્યો હતો. ભુમીકાએ તમામને વાયાદ દુબઇ થઇ યુરોપ, ન્યુઝીલેન્ડ અને સ્પેનના વિઝા તથા વર્ક પરમીટ અપાવવાની લાલચ આપી રૂ. 28.50 લાખ પડાવી લીધા બાદ ધક્કે ચઢાવ્યા હતા.