ચૌટાબજારના શો-રૂમ સંચાલક સાથે છેતરપિંડી: સસ્તામાં ચણીયાચોળી અને દુકાન વેચાણના બહાને રૂ. 2.30 કરોડનો ચૂનો માર્યો

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
ચૌટાબજારના શો-રૂમ સંચાલક સાથે છેતરપિંડી: સસ્તામાં ચણીયાચોળી અને દુકાન વેચાણના બહાને રૂ. 2.30 કરોડનો ચૂનો માર્યો 1 - image




- ધંધામાં નુકશાનને પગલે દેવું થઇ જતા શો-રૂમ વેચ્યો, તેની અવેજમાંથી સસ્તામાં દુકાનના બહાને અન્યની માલિકીની 4 દુકાનના દસ્તાવેજ કર્યા
- શો-રૂમના ચણીયા-ચોળીની બહારગામની પાર્ટી સાથે ડીલ કર્યાનું કહી બારોબાર વેચી દીધા


સુરત
ધંધામાં દેવું થઇ જતા શો-રૂમ વેચનાર સુરતના ચૌટાબજાર સ્થિત જૂના સાંઇબાબા મંદિર સામે સિલ્કી મેચિંગ સેન્ટર નામના દુકાનદારને ચોકબજાર વિસ્તારમાં સસ્તામાં ચાર દુકાન અપાવવાની લાલચ આપી રૂ. 65 લાખ ઉપરાંત શો-રૂમના ચણીયા-ચોળીનો બહારગામની પાર્ટી સાથે ડીલ કર્યાનું કહી બારોબાર વેચી દઇ કુલ રૂ. 2.30 કરોડનો ચુનો લગાવનાર પરિચીત વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

ચૌટાબજારના શો-રૂમ સંચાલક સાથે છેતરપિંડી: સસ્તામાં ચણીયાચોળી અને દુકાન વેચાણના બહાને રૂ. 2.30 કરોડનો ચૂનો માર્યો 2 - image
શહેરના ચૌટાબજાર સ્થિત જૂના સાંઇબાબા મંદિર સામે સિલ્કી મેચિંગ સેન્ટર નામે સાડી, ચણીયા-ચોળી તથા ડ્રેસ મટીરીયલ્સનો ધંધો કરતા ઇમરાન સિદ્દીક બિલ્લીમોરાવાલા (ઉ.વ. 41 રહે. મદીના પાર્ક સોસાયટી, જિલાની ટાવરની પાછળ, અડાજણ પાટિયા, સુરત) ને વર્ષ 2018 માં ધંધામાં નુકશાનના કારણે દેવું થઇ જતા પોતાનો શો-રૂમ રૂ. 7.50 કરોડમાં વેચી દીધો હતો. દરમિયાનમાં શો-રૂમના વેચાણની અવેજમાંથી ઇમરાને તેના પરિચીત મોહમદ ઉમર ઉર્ફે ઉમર પીલા મોહમદ ઝુબેર (ઉ.વ. 35 રહે. 103, પીસ પોઇન્ટ, પાછળી હોલી, રાંદેર અને સાદ પેલેસ, રાણી તળાવ, સુરત) એ ચોકબજાર સ્થિત સાગર હોટલની ગલીમાં નુર મંઝિલમાં બે અને સુગરા પેલેસમાં બે મળી કુલ ચાર દુકાન બતાવી હતી. એક દુકાનની કિંમત રૂ. 30 લાખ છે પરંતુ તમારા માટે ચાર દુકાન માત્ર રૂ. 65 લાખમાં પડશે એવી લાલચ આપી અન્યની માલિકીની દુકાનનો મોહમદ ઉમરે ઇમરાનને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. અન્યની માલિકીની દુકાન હોવાની જાણ થતા ઇમરાને ઉઘરાણી કરી તો એક મહિનામાં દુકાનના રૂ. 65 લાખ અને નફાના રૂ. 26 લાખ આપવાનો વાયદો કર્યો હતો. ઉપરાંત જાન્યુઆરી 2021 માં ઇમરાનના શો-રૂમના ચણીયા-ચોળી અને ડ્રેસ બહારગામની પાર્ટી સાથે રૂ. 1.51 કરોડમાં સોદો કર્યો છે અને એડવાન્સ પેટે રૂ. 5 લાખ ઇમરાનને આપ્યા બાદ તમામ માલ શો-રૂમમાંથી લઇ ગયા બાદ બારોબાર વેચી દીધો હતો ઇમરાનને પેમેન્ટ ચુકવ્યું ન હતું. ઇમરાને મોહમદ ઉમર પાસે ઉઘરાણી કરતા તેણે એડવાન્સ પેટે આપેલા રૂ. 5 લાખને બાદ કરતા રૂ. 1.45 કરોડ તથા દુકાનના રૂ. 65 લાખ ઉપરાંત નફાના રૂ. 19 લાખ મળી કુલ રૂ. 2.30 કરોડ આપવાની બાંહેધરી આપ્યા બાદ વાયદા પર વાયદા કરી ધક્કે ચડાવ્યો હતો.


Google NewsGoogle News