પેટીએમ અપડેટના બહાને ખરવાસાના મિકેનીક યુવાનના રૂ. 1.48 લાખ સેરવ્યા
- દિવાળીએ ક્યુઆર કોડ તથા પીઓએસ મશીન લીધુ હતુંઃ અપડેટના બહાને બે કલાક મોબાઇલ લઇ પેટીએમના સેલ્સમેને પાસવર્ડ જાણી લઇ ખેલ કર્યો
સુરત
ખરવાસા ગામમાં મીસ્ત્રી ગેરેજ નામે ગેરેજ ચલાવતા યુવાનને પેટીએમ અપડેટ કરવાના બહાને ભેજાબાજ પરિચીતે પાસવર્ડ જાણી લઇ બે તબક્કામાં કુલ રૂ. 1.48 લાખ તફડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સચિન પોલીસમાં નોંધાય છે.
ચોર્યાસી તાલુકાના ખરવાસા ગામના ટાંકી ફળિયામાં રહેતા અને મીસ્ત્રી મોટર્સ નામે ગેરેજ ચલાવતા ભાવેશ બાલુભાઇ મીસ્ત્રી (ઉ.વ. 34) એ મિત્ર હસ્તક ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્જેક્શન માટે નિલેશ રણછોડ મકવાણા (ઉ.વ. 22 રહે. ડાહ્યા પાર્ક સોસાયટી, માતાવાડી, વરાછા અને મૂળ. નેસવડ, તા. મહુવા, ભાવનગર) નો સંર્પક કર્યો હતો. નિલેશે પેટીએમ બિઝનેશ નામે એકાઉન્ટ ઓપન ગત દિવાળીના સમયે ખોલાવી પીઓએસ મશીન અને ક્યુઆર કોર્ડ તથા સ્માર્ટ સાઉન્ટ મશીન આપ્યું હતું. દરમિયાનમાં ગત 8 જાન્યુઆરીએ નિલેશ ભાવેશના ગેરેજ ઉપર જઇ તમારૂ પેટીએમ અપડેટ કરવા આવ્યો છું એમ કહી ભાવેશનો મોબાઇલ ફોન લીધો હતો અને બે કલાક સુધી ગેરેજમાં અપડેટની કામગીરી કર્યા બાદ ફોન પરત આપ્યો હતો. જેની ગણતરીના મિનીટોમાં જ ભાવેશને મેસેજ આવ્યો હતો કે બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂ. 50 હજાર કપાયા છે. જેથી ભાવેશે નિલેશને કોલ કરતા 24 કલાકમાં તમામ રૂપિયા પરત જમા થઇ જશે.
પરંતુ બીજા દિવસે રૂપિયા પરત જમા થયા ન હતા અને નિલેશ પુનઃ ગેરેજ ઉપર આવી એકાઉન્ટમાં તમારી રૂ. 1 લાખની લિમીટ જમા હશે તો કપાયેલા નાંણા પરત જમા થઇ જશે. જેથી ભાવેશે મિત્ર અને કાકા પાસેથી ઉછીના લઇ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતા અને ત્યાર બાદ રૂ. 98 હજારના ટ્રાન્જેક્શનનો મેસેજ આવ્યો હતો. આ રીતે રૂ. 1.48 લાખ તફડાવી લેનાર પેટીએમના સેલ્સમેન નિલેશ મકવાણાની સચિન પોલીસે ધરપકડ કરી છે.