ગોંડલ યાર્ડના વેપારી સાથે ટાસ્ક પુરા કરવાના બહાને રૂ. 9.61 લાખની છેતરપિંડી
લાખો કમાઈ લેવાની લ્હાયમાં ચતુર વેપારી છેતરાયો : રૂ. 16 લાખનું રિવોર્ડ વિડ્રો કરવા અડધી રકમ માંગતા વેપારી છેતરાયાનું સામે આવ્યું
ગોંડલ : સાયબર માફિયાઓ યેનકેન પ્રકારે લોકો સાથે સાયબર ફ્રોડ આચરતાં હોય છે. તેવી જ રીતે ગોંડલના વેપારીને પણ સાયબર ગઠિયાઓએ ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાના બહાને રૂ.૯.૬૧ લાખનું સાયબર ફ્રોડ આચરતાં ગોંડલ સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
વધુમાં ફરીયાદી જીગરભાઈ જમનભાઈ ચોથાણી (ઉ.વ. 28) એ જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટથી વેપાર કરે છે. ગઇ તા.૦૫/૦૭/૨૦૨૪ ના સાંજના સમયે ટેલીગ્રામમાં ફીલ્મ જોતો હતો ત્યારે ટેલીગ્રામમાં એક અજાણ્યા એકાઉન્ટમાંથી એક લીંક આવેલ અને જેમા જણાવેલ હોય કે, હું આ કંપનીમા કામ કરૂ છુ અને કંપનીમાં તમે દરરોજના ૧૦ થી ૧૫ મીનીટમા રૂ.૮૦૦ થી ૧૫૦૦ રૂપીયા કમાઇ શકો છો જેથી ટેલીગ્રામ એપમાં કઈ રીતે રૂપીયા કમાઈ શકાય તેમ મેસેજ કરતાં તેઓએ મોકલેલ લીંકને ઓપન કરો અને તેમા તમારૂ એકાઉન્ટ બનાવો.
જેથી સૂચવ્યા મુજબ એકાઉન્ટ બનાવેલ હતું. જે બાદ તમારી બેંક ડીટેઇલ તમે બનાવેલ એકાઉન્ટમાં નાખો અને જે ટાસ્ક મોકલી તે તમે પુરા કરશો એટલે તમારા ખાતામા રીવર્ડ જમા થશે તેમ વિશ્વાસમાં લીધેલ હતો.બાદમાં તે લિંકમાં કસ્ટમ સપોર્ટ હોટલાઈન નામનું એકાઉન્ટ ખુલેલ અને તે લીંકમા બનાવેલ એકાઉન્ટ આઈ.ડી.માં બેંક ખાતાની માહીતી મોકલેલ જેથી તેમાથી એક બેંક એકાઉન્ટ નંબર આવેલ.જેથી તે બેંક એકાઉન્ટમા રૂ.૧૦ હજાર ગુગલ પે થી ઓનલાઇન પેમેન્ટ કરેલ અને તેમા હોટલ બુકીંગ કરવાનો ટાસ્ક મોકલેલ હોય તે દિવસે ૨૦ ટાસ્ક પુરા કરેલ અને ખાતામા રૂ.૮૯૦ રીવર્ડ જમા થયેલ હતાં.એ પછી ફરિયાદીએ જુદા જુદા સમયે છુટા છુટા કરીને નવ લાખથી વધુ રકમ જમા કરાવી હતી . ત્યારબાદ તેમને મેસેજ આવેલ કે, તમારા રીવર્ડ સાથે કુલ રૂ.૧૬,૧૩,૪૫૮ છે જે તમે વીડ્રોલ કરી શકો તેમ મેસેજ કરેલ જેથી તેઓએ લીંક ઉપરથી રૂપીયા વીડ્રોલ કરેલ પરંતુ વીડ્રો થયેલ નહી જેથીહોટલાઈન ઉપર મેસેજ કરતા જણાવેલ કે, તમારી રકમ વધારે થઇ ગયેલ હોય જેથી તમારે સીકયુરીટી પેટે અડધી બીજી રકમ મોકલવી પડશે તેના હુ તમને બેંક એકાઉન્ટ નંબર મોકલુ છું કહેતાં તેઓએ મિત્રને વાત કરતાં તેમની સાથે ફ્રોડ થયાનું જણાવતાં સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરીયાદ કરી હતી.