પાંચમા દિવસે વડોદરાના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન, ક્ષતિ ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ
Vadodara Ganesh Visarjan : વડોદરા શહેરમાં બિરાજમાન થયેલા વિવિધ મંડળો દ્વારા આજે પાંચમા દિવસે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન વિવિધ તળાવ ખાતે કરવામાં આવી રહ્યું છે. આજે નાગરિકો ભારે હૈયે પોતાના દેવતાને વિદાય કરી રહ્યા છે.
વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. અનેક લોકો અને વિવિધ મંડપમાં અલગ અલગ દિવસ સુધી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવતું હોય છે. ઘણા લોકો દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને દસ દિવસ માટે શ્રીજીનું સ્થાપન કરતા હોય છે. ત્યારે તાજેતરમાં અનેક રહીશો દ્વારા પોતાના મકાનમાં સ્થાપન કરવામાં આવેલ શ્રીજીની મૂર્તિનું દોઢ દિવસ અને ત્રણ દિવસ દરમિયાન વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ઘણા મંડળો દ્વારા મૂકવામાં આવેલ પાંચ દિવસના શ્રીજીનું આજે સવારથી વિવિધ કૃત્રિમ તળાવો ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
કોર્પોરેશને આ માટે શહેરમાં અલગ અલગ જગ્યાએ સાત કૃત્રિમ તળાવ બનાવ્યા છે. જેમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે, ગઈકાલે મોડી રાત સુધી નવલખી સહિત વિવિધ કૃત્રિમ તળાવ ખાતે વિસર્જનની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો હતો. જે આજે વહેલી સવાર સુધી ચાલ્યો હતો. ત્યારે દશામાની મૂર્તિ વિસર્જનમાં તંત્રએ જે ભાંગરો વાગ્યો હતો અને કૃત્રિમ તળાવમાં યોગ્ય પાણીનો સંગ્રહ ન કરવામાં આવતા અનેક મૂર્તિઓનું સંપૂર્ણ વિસર્જન થઈ શકયું ન હતું તેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય એ માટે પણ તંત્ર તકેદારી લઈ રહ્યું છે. છેલ્લી ઘડી સુધી વિવિધ તળાવ ખાતે તરાપા, તરવૈયા સહિતની જરૂરી બાબતો અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. જેથી મૂર્તિ વિસર્જન કરવા આવનાર ભક્તને કોઈ અગવડ કે અસુવિધા ઉભી ન થાય.
કઈ જગ્યાએ સાત કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે
- સમા હરનીલિંક રોડ તળાવ
- નવલખી તળાવ
- દશામા તળાવ, ગોરવા
- એસ.એસ.સી. તળાવ, સોમા તળાવ પાસે
- માંજલપુર તળાવ
- લેપ્રસી ગ્રાઉન્ડ, આજવા રોડ
- ભાયલી પાણીની ટાંકીની બાજુમાં