ઉત્તરાયણના પર્વે સ્વાદરસિકો લાખો રૂપિયાનું ઉંધીયુ ઝાપટી જશે
- શહેરમાં જાહેર સ્થળો અને સર્કલો નજીક મંડપો નખાશે
- ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને સૌ કોઈ પતંગપર્વની મોજ માણવામાં વ્યસ્તઃ રેડીમેઈડ ઉંધીયુ, પુરી મંગાવવાનો ક્રેઝ
ગોહિલવાડમાં સામાન્ય રીતે તમામ શાકભાજી લગભગ બારે માસ મળતા હોય છે. તેમાંય આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુમાં ઉંધીયાની મજા જ કંઈક ઔર હોય છે. મકરસંક્રાતિના પર્વે શહેરમાં લગભગ મોટા ભાગના પતંગરસિકોના ઘરના રસોડે તાળા હોય આવા પરિવારજનો બજારમાંથી જ રેડીમેડ ઉંધીયુ અને પુરી સહિતની ખાદ્યસામગ્રીઓ મંગાવવાના મૂડમાં હોય છે. તેથી જ મકરસંક્રાંતિના તહેવાર અગાઉથી સ્થાનિક મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓ, કેટરર્સ, રસોયાઓ દ્વારા ઉંધીયાની સોશ્યલ મિડીયા તેમજ પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં જાહેરાત શરૂ કરી દેવાય છે. ખીયરના તહેવારમાં ઉંધીયાનુ ટર્નઓવર અન્ય ખાદ્યસામગ્રીઓના વેચાણને પણ ઝાંખુ કરી દે તેવુ હોય છે. સામાન્ય રીતે મોર્ડન ગૃહિણીઓના ઘેર રસોડામાં દર શનિવાર, રવિવાર, તહેવાર અને જાહેર રજાના દિવસોમાં અલીગઢી તાળા હોય છે. તે જ રીતે ખીહરમાં પરિવારજનો, અગાશી, ધાબા કે છાપરાઓ પર પતંગપર્વની મોજ માણતા હોય છે ત્યારે મોટા ભાગના પરિવારો બહારથી તૈયાર ઉંધીયુ, પુરી સહિતની ખાદ્યસામગ્રીઓ રેડીમેડ મંગાવવાના મૂડમાં હોય છે. રાજયના અન્ય મહાનગરોની જેમ ભાવનગરમાં પણ વર્ષોથી શરદ પૂર્ણિમા સહિતના નામી તહેવારોની જેમ સંક્રાંતિના પર્વે ઉંધીયાની ઘેર ઘેર પાર્ટી યોજાશે. આ નિમીત્તે કેટરર્સ, રસોયાઓ દ્વારા સ્થાનિક જાહેર સ્થળો, સર્કલો નજીક મંડપ કે સ્ટોલ ઉભા કરાશે. કેટલાક સ્થળોએ ખાસ કિસ્સામાં ચાપડી ઉંધીયુ અથવા માટલા ઉંધીયુ પણ ઉંચા ભાવ વસુલીને વેચાય છે. હાલ બજારમાં એક કિલો ઉંધીયુ રૂા ૨૫૦ આસપાસના ભાવે વેચાઈ રહ્યુ છે. ખાદ્યતેલ, લીલા શાકભાજી, મરી મસાલાઓ મોંઘા બન્યા હોય તેમજ કારીગરોની મજુરીના દર વધી ગયા હોય ઉંધીયાના ભાવ કવોલીટી મુજબ ઉંચા રહેતા હોય છે.