ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગની દોરીથી બાઇક સવારનું ગળું કપાયું
રાજપીપળામાં વીજ થાંભલા પરથી પતંગ ઉતારવા ચઢેલા બાળકને કરંટ લાગ્યો
વડોદરા,તરસાલી આદર્શ નગર પાસેથી બાઇક લઇને જતા યુવકનું ગળું પતંગની દોરીથી કપાઇ જતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
રાઘવપુરા ગામે રહેતો ૨૫ વર્ષનો મેહુલ સોમાભાઇ તડવી મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે.આજે સાંજે છ વાગ્યે નોકરી પરથી છૂટીને તે ઘરે જતો હતો. બાઇક લઇને તરસાલી આદર્શ નગર પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન પતંગની દોરી આવી જતા તેના ગળા પર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં રાજપીપળાના એક ગામમાં રહેતો ૧૦ વર્ષનો બાળક આજે સવારે વીજ થાંભલા પર ફસાયેલી પતંગ નીચે ઉતારવા ચઢ્યો હતો. તારમાં ફસાયેલી પતંગ તેણે ખેંચતા વીજ કરંટ લાગતા થાંભલા પરથી નીચે પટકાયો હતો. હાથ પર ગંભીર ઇજા થતા સૌ પ્રથમ તેને રાજપીપળાની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.