શિવરાત્રિના રોજ ગોડાદરાની એક સોસાયટીમાં સ્વિમિંગ પુલમાં ત્રિવેણી સંગમનું જળ ઉમેરી સ્નાન કરાશે
Image: Facebook
પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કરોડો લોકો ત્રિવેણી સંગમનું સ્નાન કરી રહ્યાં છે પરંતુ હજી પણ ઘણા લોકો ત્રિવેણી સંગમ સુધી પહોંચી શક્યા નથી. જોકે, મોટા ભાગના લોકો ત્રિવેણી સંગમના સ્નાનનો લાભ લઈ શકે તે માટે કેટલીક સોસાયટી દ્વારા આયોજન કરાયું છે.
પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન માટે કરોડો સનાતનીઓએ સ્નાન કર્યું છે અને હજી લોકો પહોંચી રહ્યાં છે. તેવામાં અનેક લોકો સમય અને સંજોગો ના કારણે ત્રિવેણી સંગમ નો લાભ લઈ શક્યા નથી તેવા શ્રદ્ધાળુઓ કુંભમાં ગયેલા અન્ય શ્રદ્ધાળુઓ પાસેથી ત્રિવેણી સંગમનું જળ મંગાવે છે અને તેને રોજના સ્નાનમાં ઉમેરીને સ્નાન કરીને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનો અનુભવ કરી રહ્યાં છે.
જો કે, બીજી તરફ સુરતના ગોડાદરા વિસ્તારની પ્રિયંકા સિટી પ્લસ ટાઉનશિપના સ્વિમિંગ પુલમાં શિવરાત્રિના દિવસે સંગમનું જળ નાખી સોસાયટીના રહીશોને ત્રિવેણી સંગમનું સ્નાન કરવા માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું સોસાયટીના પ્રમુખ યજુવેન્દ્ર દુબે જણાવ્યું છે. તેઓએ એવું કહ્યું છે કે 144 વર્ષ પછી કુંભ મેળો આવતો હોય કેટલાક લોકો સમય અને સંજોગો ના કારણે લાભ લઈ શક્યા નથી. અમારી સોસાયટીના લોકો વધુમાં વધુ લાભ મેળવે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.