પતંગોત્સવના દિવસે હુમલાના કેસો 240 ટકા, ઈજાના 107 ટકા વધ્યા
ગુજરાતમાં અનેક સ્થળે મનસ્વી મોજ- મજાથી માતમ 108માં વાહન અકસ્માતોથી ઈજાના કોલ સામાન્ય દિવસોમાં રોજ 424, ઉત્તરાયણે 911, નિર્લજ્જ હુમલાના કેસો 8 ગણા વધી ગયા
રાજકોટ, : દાન-પૂણ્ય અને આનંદોલ્લાસનું પર્વ ઉપર અનેક સ્થળે મનસ્વી, બેજવાબદારીભરી ઉજવણીથી તથા ઉગ્રમિજાજી આવારા તત્વોના કૃત્યોથી મકરસંક્રાંતિની મજા અનેક સ્થળે માતમમાં ફેરવાઈ હતી. માત્ર ૧૦૮માં નોંધાયેલા ઈમરજન્સી કોલ્સ મૂજબ ગઈકાલે ઉજવાયેલા એક દિવસના પતંગોત્સવમાં રાજ્યમાં હુમલા-મારામારીના કેસોમાં ૨૪૦ ટકાના વધારા સાથે ૩૪૪ અને પતંગદોરા વગેરેથી ઈજા થવાના કેસોમાં ૧૦૭૭ ટકાનો તોતિંગ વધારા સાથે 117 કોલ્સ આવ્યા હતા.
આ એક જ દિવસમાં ધાબા વગેરે પરથી પડી જવાના કેસો સામાન્ય દિવસો કરતા બમણાં થયા છે. જ્યારે પશુની હડફેટે ચડી જતા ઈજા થવાના કેસોમાં 56 ટકાનો વધારો નોંધાયો હતો. નિર્લજ્જ હુમલા (સેક્સ્યુઅલ એસોલ્ટ)ના કોલ્સ સામાન્ય દિવસોમાં દૈનિક સરેરાશ ૨ આવે છે તે સામે ગઈકાલે એક દિવસમાં 20 કોલ્સ આવ્યા હતા.
રજાનો દિવસ હોય લોકો કિડીયારૂ ઉભરાય તેમ ફરવા નીકળી પડે છે જેના પગલે વાહન અકસ્માતોના કેસો જે રોજ રાજ્યમાં સરેરાશ 424 નોંધાય છે તે આ દિવસે 115 ટકાના વધારા સાથે 911 અને જેમાં વાહન વગર પડવા આખડવાથી ઈજાના બનાવો રોજ સરેરાશ 347 સામે 922એટલે કે 165 ટકાનો વધારો થયો હતો.
આ દિવસમાં તાવ,કાર્ડિયાક ઈમરજન્સી,સ્ટ્રોક સહિતના કેસો રાબેતામૂજબ રહ્યા હતા પરંતુ, અકસ્માતોમાં નાની કે ગંભીર ઈજા થવી, હુમલા થવાના કેસોમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો જે દર્શાવે છે કે ઘમંડી,હિંસાખોર અને બેજવાબદાર તત્વો આનંદના પર્વને કઈ રીતે શોકના પ્રસંગમાં બદલી નાંખે છે.