પાનકાર્ડ અપડેટના બહાને ધંધાર્થીની બહેનને લીંક મોકલી રૂ.5.32 લાખ સેરવી લીધા
સુરતમાં મહિલા સહિત બે જણા સાયબર ક્રાઈમનો ભોગ બન્યા
લીંક મારફત ફાઈલ ડાઉનલોડ કરાવી હતી : મોટા વરાછાના યુવાનને ભોળવી ભેજાબાજે ક્યુઆર કોડ મોકલી રૂ.1.80 લાખ સેરવી લીધા
- સુરતમાં મહિલા સહિત બે જણા સાયબર ક્રાઈમનો ભોગ બન્યા
- લીંક મારફત ફાઈલ ડાઉનલોડ કરાવી હતી : મોટા વરાછાના યુવાનને ભોળવી ભેજાબાજે ક્યુઆર કોડ મોકલી રૂ.1.80 લાખ સેરવી લીધા
સુરત, : સુરતના ભરથાણા વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિકની બહેનને પાનકાર્ડ અપડેટ કરવાનું કહી ભેજાબાજે બેન્ક કર્મચારીના સ્વાંગમાં લીંક મોકલી ફાઈલ ડાઉનલોડ કરાવી એકાઉન્ટમાંથી રૂ.5.32 લાખ સેરવી લીધા હતા.જયારે મોટા વરાછાના યુવાનને ભોળવી ભેજાબાજે ક્યુઆર કોડ મોકલી રૂ.1.80 લાખ સેરવી લીધા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભરથાણા વિસ્તારમાં રહેતા અને પાંડેસરા ખાતે ફેક્ટરી ધરાવતા રાજભાઈ ( ઉ.વ.36, નામ બદલ્યું છે ) ના બહેન સીમા ( નામ બદલ્યું છે ) એક્સીસ બેન્ક્માં એકાઉન્ટ ધરાવે છે.ગત 26 સપ્ટેમ્બરની બપોરે અજાણ્યાએ તેમને ફોન કરી પોતાની ઓળખ એક્સીસ બેન્કના કર્મચારી તરીકે આપી પાનકાર્ડ અપડેટ કરવાનું છે કહી ઓટીપી મોકલી મેળવ્યો હતો.બાદમાં ફરી ફોન કરી પાનકાર્ડ અપડેટ થયું નથી હું તમને લીંક મોકલું છું તે ડાઉનલોડ કરજો કહી વ્હોટ્સએપ પર એપીકે ફાઈલની લીંક મોકલી હતી.સીમાબેને તે ડાઉનલોડ કરી તે સાથે જ બેન્કમાંથી પૈસા કપાયાનો મેસેજ આવ્યો હતો.તેમના બેલેન્સ રૂ.1,15,032 માંથી અને તેમની રૂ.2 લાખની ફિક્સ ડિપોઝીટ તોડીને રૂ.1,98,900 ટ્રાન્સફર કરાયા હતા.ઉપરાંત, રૂ.7,35,915 ની પર્સનલ લોન લઈ તેમાંથી રૂ.1,94,511 અને રૂ.35,010 બે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.કુલ રૂ.5,31,621 ની ઠગાઈ અંગે રાજભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી હતી.તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સાયબર ક્રાઈમના વધુ એક બનાવમાં મૂળ અમરેલીના વતની અને સુરતમાં મોટા વરાછા ખાતે રહેતા 42 વર્ષીય રમેશભાઈ ( નામ બદલ્યું છે ) સુમુલ ડેરી રોડ સ્થિત હીરાની કંપનીમાં નોકરી કરે છે.ગત 3 નવેમ્બરની રાત્રે કોઈકે અજાણ્યા નંબર પરથી ફોન કરી હિન્દીમાં પૂછ્યું હતું કે તમે રમેશભાઈ બોલો છો, ઓળખાણ પડી કે ભૂલી ગયા છો.રમેશભાઈને લાગ્યું હતું કે તે વ્યક્તિ તેમની સાથે કારખાનામાં કામ કરતો સરજુ છે.આથી તેમણે સરજુભાઈ છો તેમ કહેતા તે વ્યક્તિએ હા પાડી હતી.ત્યાર બાદ તે વ્યકિતએ મારા મિત્ર પાસે રૂ.20 હજાર લેવાના છે, તે પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા નથી.તેથી તે તમારા ખાતામાં આપે તે મને ટ્રાન્સફર કરજો કહી પૈસા ટ્રાન્સફર કરવા રૂ.19,999 નો રિસીવ મની ક્યુઆર કોડ મોકલ્યો હતો.તે સ્કેન કરતા જ રમેશભાઈના એકાઉન્ટમાંથી પૈસા કપાતા તેમણે તે વ્યક્તિને જાણ કરી તો તેણે ભૂલથી કપાયા છે તેમ કહી ફરી ત્રણ વખત ક્યુઆર કોડ મોકલી કુલ રૂ.1,80,005.90 સેરવી લીધા હતા અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો.આ અંગે રમેશભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી હતી.તેના આધારે ઉત્રાણ પોલીસે ગતરોજ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.