સબંધીને રહેવા આપેલું મકાન ખાલી કરાવતા માલિક પર હુમલો
- ધ્રાંગધ્રા તાલુકાના હામપર ગામમાં
- કૌટુંમ્બીક મહિલા સહિત બે શખ્સોએ ધમકી આપતા બે સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના હામપર ગામે મકાન ખાલી કરવા બાબતનું મનદુઃખ રાખી બે શખ્સોએ બોલાચાલી કરી એક શખ્સને છરી તેમજ લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર શખ્સે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
મોરૈયા ખાતે રહેતા મુળ ધ્રાંગધ્રા તાલુકાના હામપર ગામના નરેશભાઈ કલ્યાણભાઈ સોલંકીનું હામપર ગામે આવેલું મકાન સબંધીને રહેવા માટે આપ્યું છે. તાજેતરમાં નરેશભાઇ હામપર ગામે માતાજીના ધાર્મિક પ્રસંગનું આયોજન કરવાનું હોવાથી ત્યાં આવ્યા હતા અને કૌટુંમ્બીક સગા-સબંધીઓને મળ્યા હતા. જે દરમિયાન નરેશભાઇના ભાભુ જશુબેને મકાનમાં રહેતા સબંધીને મકાન ખાલી કરાવી નાંખવાનું જણાવ્યું હતું અને સંબંધી ગુલાબભાઈ સાથે કોઈ કારણોસર મનદુઃખ થયું હોવાનું જણાવ્યું હતું.
આથી જશુબેનેએ આ બાબતે ગુલાબભાઈને મળી લેવાનું જણાવ્યું હતું. બીજે દિવસે સવારે કુટુંબના માતાજીના મઢે દર્શન કરવા ગયા ત્યારે જશુબેનના દિકરાની વહુ અને તેનો પુત્ર બંનેએ ઉશ્કેરાઈ જઈ નરેશભાઇ સાથે બોલાચાલી તેમજ ગાળાગાળી કરી હતી અને હાથમાં રહેલ છરી તેમજ લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર નરેશભાઇએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે જ્યોતીબેન શંભુ ઉર્ફે રશ્મીકાંત સોલંકી તેમજ બ્રિજેશભાઈ શંભુ ઉર્ફે રશ્મીકાંત સોલંકી બન્ને રહે.હામપર તા.ધ્રાંગધ્રાવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.