Get The App

નવા વર્ષની રાત્રે શહેર - જિલ્લામાં વિદેશી દારૂના 9 કેસ નોંધાયા, 10 ઝડપાયા

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
નવા વર્ષની રાત્રે શહેર - જિલ્લામાં વિદેશી દારૂના 9 કેસ નોંધાયા, 10 ઝડપાયા 1 - image


- ભાવનગર પોલીસ દ્વારા 31 મીને અનુલક્ષીને ચેકિંગ અને દરોડા

- ગંગાજળિયા, બોરતળાવ, વરતેજ, ગારિયાધાર અને પાલિતાણા પોલીસમાં અલગ-અલગ ગુના નોંધાયા

ભાવનગર : ભાવનગર પોલીસ દ્વારા ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને ચેકિંગ અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેર અને જિલ્લા ઉપરાંત ધોલેરા પોલીસ મથક મળી કુલ ૯ કેસોમાં ૧૦ શખ્સોને વિદેશી દારૂની ૬૩ બોટલ અને ચપટાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ-અલગ પોલીસ મથકમાં કુલ ૯ કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

૩૧ ડિસેમ્બરને અનુલક્ષીને ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત ધોલેરા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એલસીબી પોલીસે શહેરના કરચલીયાપરા, સાઈઠ ફળી, રામાપીરના મંદિર પાસેથી રાકેશ ઉર્ફે બોમ રવજીભાઈ ચુડાસમાને વિદેશી દારૂના ૦૫ ચપટા, સાથે ઝડપી લઇ ગંગાજળીયા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. તેમજ બોરતળાવ પોલીસ ગત રાત્રિના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાંથી વિજય મોહનભાઈ વાળા (રહે. સરિતા સોસાયટી, શેરી નં.૦૨)ને વિદેશી દારૂની ૦૧ બોટલ સાથે ઝડપી લીધો હતો. ઉપરાંત કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાંથી વિજય ઉર્ફે ચટણી દિનેશભાઈ રાઠોડ (રહે બાનુબેનની વાડી, કુંભારવાડા)ને વિદેશી દારૂના ૦૫ ચપટા સાથે અને અનિલ ભગવાનદાસ રોહિડા (રહે. સિંધુનગર)ને જવેલ્સ સર્કલ નજીક વિક્ટોરિયા ગેટ પાસેથી વિદેશી દારૂની ૦૧ બોટલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. વરતેજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વરતેજ કમળેજ રોડ પર આવેલ બાવળની કાંટમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા કિશોર મકોડભાઈ મોરી (રહે. વરતેજ)ને વિદેશી દારૂની ૧૧ બોટલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. મુંબઈથી બાંદ્રા-ભાવનગર રેગ્યુલર ટ્રેનમાં ભાવનગર દારૂ લાવી વેચાણ કરતા મમદહુસેન મહેબુબભાઈ મકવાણા (રહે.અમીપરા ચોક, ભાવનગર) અને વિષ્ણુ બીપીનભાઈ સોલંકી (રહે.કણબીવાડ)ને ૨૦ બોટલ દારૂ સાથે રેલવે પોલીસે ઝડપી લઈ ભાવનગર રેલવે પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જ્યારે ગારિયાધાર તાલુકાના પચ્છેગામમાં રહેતા શાહિલ મહેબુબ મકવાણાને તેના બંધ મકાનમાંથી વિદેશી દારૂની ૩ બોટલ સાથે ઝડપી લઈ ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે તથા પાલિતાણાના તળાજા રોડ પર રહેતા સુરેશ ભગવાનભાઈ વાઘેલાને તેના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨૧ ચપટા સાથે પાલિતાણા ટાઉન પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. તેમજ ધોલેરા પોલીસ સરસલા પરા ગામના તળાવ પાસે દરોડો કરી પસાર થઈ રહેલા મનસુખ કાનજીભાઈ કાનાણીને અટકાવી તલાસી લેતા પેન્ટના ખિસ્સામાંથી બિયરનું ટીન ૧ મળી આવતા પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ ધોલેરા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

31 મીના રોજ 27 ડ્રંક એન્ડ ડ્રાઈવના, 54 પ્રોહિબિશનના કેસ

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ગત તા.૧૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઈવના ૧૯૯ કેસો નોંધવામાં આવ્યા હતા. જેમાં ૩૧મીના રોજ ડ્રંક એન્ડ ડ્રાઈવના ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે ગત તા.૨૩ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન પ્રોહિબિશનના કુલ ૪૫૯ કેસો નોંધાયા છે. જેમાં ૩૧મી ડિસેમ્બરના રોજ પ્રોહિબિશનના કુલ ૫૪ કેસો નોંધાયા છે.


Google NewsGoogle News