નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ, પત્ની, પુત્રી અને પુત્ર પર જીવલેણ હુમલો
પ્રમુખના માથામાં ઇજા, દાંત તોડી નાંખ્યા, પત્નીને લાફા માર્યા અને પુત્રીના કપડાં ફાડી નાંખ્યા
રાજપીપળા તા.૪ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મોટા ભાવપુરા ગામમાં લગ્નમાં બે ગામના યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા ભાજપ શાસિત નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ તેમના પત્ની, પુત્ર અને પુત્રી પર ભાજપના જ કાર્યકર અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
તિલકવાડા તાલુકાના નલીયા ગામમાં રહેતા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ શનાભાઇ તડવીએ તિલકવાડામાં રહેતા ભાજપના કાર્યકર અરુણ ચંદુભાઇ તડવી, અર્જુન ગણપત તડવી, રસિક ગણપત તડવી, રજનીકાંત ઉર્ફે છોટીયો તેમજ અન્ય ૧૦ શખ્સો સામે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દોઢ વર્ષ પહેલાં મારી તેમજ અરુણ તડવી વચ્ચે ચૂંટણી મુદ્દે મનદુઃખ થયું હતું જેની રીસ રાખી આજે હુમલો થયો હતો.
ફરિયાદમાં જણાવ્યું હતું કે મોટાભાવપુરા ગામે હું તેમજ પરિવારના સભ્યો લગ્નમાં હાજરી આપવા ગયા હતા ત્યારે વરઘોડામાં નાચવા મુદ્દે ગણશીડા તેમજ ભાવપુરા ગામના યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેથી હું તેમજ અન્ય લોકો તેઓને સમજાવવા માટે ગયા હતાં. તે વખતે ત્યાં હાજર અરુણ તડવીના ભાઇ મનોજે ઝપાઝપી કરી ગુસ્સામાં તને જોઇ લઇશ તેમ કહી તેના ભાઇ અરુણને બોલાવ્યો હતો. બાદમાં અરુણ તેના સાગરીતોને લઇને સ્થળ પર આવ્યો હતો અને અરુણે મને ચપ્પુ પેટમાં મારતા હું નમી જતા માથામાં ચપ્પુ વાગ્યું હતું જ્યારે કડું મારતા મારા દાંત તોડી નાંખ્યા હતા અને કાનમાં પણ ઇજા પહોંચાડી હતી.
આ વખતે હુમલાખોરોએ મારા પુત્ર ચિરાગને માથામાં કડું મારી ગંભીર ઇજા કરી હતી. જ્યારે મારા પત્ની અને પુત્રીને તમાચા માર્યા હતાં એટલું જ નહી પરંતુ મારી પુત્રીના કપડાં પણ ફાડી નાંખ્યા હતાં. હુમલાખોરોએ વરરાજા માટે શણગારેલી મારી અર્ટિંગા કારનો કાચ પણ તોડી નાંખ્યો હતો. ઉપરોક્ત બનાવના પગલે તિલકવાડા તેમજ જિલ્લા એલસીબીનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત જિલ્લા પંચાયતના પ્રમુખને સારવાર માટે ડભોઇ અને બાદમાં વડોદરા ખાતે ખસેડાયા છે.