પીલોલમાં માતા-પુત્રી પર પાડોશીનો હુમલો માથાના વાળ ખેંચી બંનેને ઢસડી
તું મોટી સાહેબ થઇ ગઇ છે તેમ કહી માર મારતા ચાર સામે ફરિયાદ
વડોદરા, તા.31 વડોદરા નજીક પીલોલ મોટાપુરા ગામે પિયરનું ઘર સાફ કરવા ગયેલી માતા અને પુત્રી પર પાડોશીઓએ હુમલો કરી માર મારતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
ડભોઇ તાલુકાના અકોટાદર ગામે તળાવ ફળિયામાં રહેતી ગીતા શ્રીકાંત વસાવાએ મોટાપુરા પીલોલ ગામમાં રહેતી રેખા ચન્દ્રકાંત વસાવા, અંકિત, હાર્દિક અને નીરુ હર્ષદભાઇ વસાવા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મંજુસર જીઆઇડીસીમાં આવેલી એનબીસી કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરું છું. મોટાપુરા પીલોલ ખાતે મારા પિતાનું ઘર ખાલી હોવાથી હું તેમજ મારી પુત્રી ક્રિષ્ણા બંને સાફ સફાઇ માટે તા.૨૮ના રોજ ત્યાં ગયા હતાં.
સાંજના સમયે હું ઘર સાફ કરતી હતી ત્યારે પાડોશી રેખાએ જણાવેલ કે તું કંપનીમાં મોટી સાહેબ થઇ ગઇ છે, મારા દીકરાની પત્નીને નોકરીમાંથી છૂટી કરાવી દીધી, જેથી મેં જણાવેલ કે હું કોઇ સાહેબ નથી કે કોઇને છૂટા કરું બાદમાં તેઓ મારી સાથે ઝઘડયા હતાં. મારી પુત્રી પણ વચ્ચે પડતાં તેની સાથે પણ ઝઘડો કરી માર માર્યો હતો. મને તેમજ મારી પુત્રીના માથાના વાળ પકડી ઢસડી હતી. દરમિયાન ફળિયાના લોકો ભેગા થઇ જતાં મને તેમજ પુત્રીને છોડાવતાં અમે બંને પરત જતા હતા ત્યારે અંકિત અને હાર્દિકે ધમકી આપેલ કે આ બાજુ ફરી ઘેર આવીશ તો ટાંટિયા તોડી નાંખીશ.