જેઠ પૂનમે યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ધક્કામુકી સર્જાતા ભક્તોમાં રોષ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
જેઠ પૂનમે યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ધક્કામુકી સર્જાતા ભક્તોમાં રોષ 1 - image


- કોટની બારી પાસે ભીડમાં ભક્તો દબાતા બૂમો પડી

- વેપારીઓએ ભીડ ઓછી કરાવવા પોલીસ બોલાવવી પડી  પોલીસ બંદોબસ્ત હોવા છતાંય ધક્કામૂક્કી થતા રોષ

ડાકોર : ડાકોરમાં જેઠ પૂનમે ડાકોરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. ત્યારે લગભગ ૧૦ વાગ્યાના અરસામાં કોટની બારી પાસે ભારે ભીડ જામી જતા ભક્તો દબાતા બૂમો પડી હતી. સ્થાનિક વેપારીઓએ ભીડ ઓછી કરાવવા પોલીસ બોલાવવી પડી હતી. ત્યારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં ધક્કામૂક્કી થતા ભક્તોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. 


શ્રી રણછોડજી મહારાજનું મંદિર વહેલી સવારે ૫ વાગ્યે ખુલી ગયું હતું. ત્યારે રાજાધીરાજના દર્શન માટે મંગળા આરતીથી ડાકોરના પ્રવેશ માર્ગો પર ભીડ જોવા મળી હતી. જે ભીડ બપોરના એક વાગ્યા સુધી રહી હતી. ડાકોરમાં છેલ્લા ઘણા સમયથી મંદિર ચોક વિસ્તારમાં કોટન દરવાજા પાસે મહિલાઓ બાળકો અને વિકલાંગોના જવાના ગેટ પાસે ખૂબ ભીડ થઈ જાય છે, જેમાં કેટલાય બાળકો મહિલાઓ અને વૃદ્ધો દબાઈ જવાની ઘટના બની છે. આજે પણ સવારે દશવાગ્યા ના અરસામાં કેટલાય ભક્તો દબાયા હોવાની બુમો સ્થાનિક વેપારીઓએ પાડીને ભીડ ઓછી કરવા માટે પોલીસને બોલાવી હતી.

અગાઉ પણ આવી ઘટના બની છે છતાં સરકારના અધિકારીઓને આવી ફરિયાદોના નિવારણમાં કોઈ લાભ થવાનો ના હોવાથી કોઈ કાર્યવાહી કરાતી નથી. હોળી પૂનમ સિવાય ડાકોરમાં યોગ્ય બંદોબસ્ત અને આયોજન કરાતું નહીં હોવાનું ભક્તોના ધ્યાને આવ્યું હતું. સુરતથી પૂનમ ભરવા આવતા નેમધારી ભક્તોનું કહેવું છે કે, ડાકોર સંઘ લઈને તેઓ ૧૫ વર્ષથી આવે છે. છતાં ડાકોરમાં કોઈ સુધારો થયો હોય તેવું દેખાયું નથી. યાત્રા ધામોનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ, ડાકોર માટે ઓરમાયું વર્તન કેમ રાખવામાં આવે છે. 

ક્યારેક રાજકોટ જેવી દુર્ઘટના ડાકોરમાં બનશે તો જવાબદાર કોણ તેવા  સવાલો પણ સંઘોવાળા કરી રહ્યા હતા.

 ડાકોરના ઠાકોરજીની જેઠ પૂનમમાં ભક્તોએ ઉનાળાની ગરમીમાં હજારોની સંખ્યામાં ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 


Google NewsGoogle News