પાદરામાં હોમગાર્ડ પર હુમલો જમીન પર પાડી ગળું દબાવી દીધું
હુમલાથી ગભરાયેલા અન્ય હોમગાર્ડે પોલીસને ફોન કરી બોલાવવી પડી ઃ નાામચીન યાસીન વ્હોરા ઝડપાયો
પાદરા તા.૨૨ પાદરાના પાતળિયા હનુમાન મંદિર પાસે નર્મદા કેનાલ રોડ પર હોમગાર્ડ જવાન પર હુમલો કરી અસામાજિક તત્વોએ પાદરા પોલીસને પડકાર ફેક્યો છે.
આ અંગેની વિગત એવી છે કે નર્મદા કેનાલ રોડ પર ત્રણ શખ્સો ઝગડો કરી બૂમાબૂમ કરતા હતા ત્યારે નાઈટ રાઉન્ડ ફરજ બજાવતા હોમગાર્ડે જીગર દિનેશભાઇ કાછીયા (રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાદરા) તેમજ અન્ય બે હોમગાર્ડ સ્થળ પર પહોંચી ગયા હતાં અને પૂછપરછ કરતા પાદરાના યાસીન ઉર્ફે ડોન સીરાજ વ્હોરાએ તને પૂછપરછ કરવાનો કોઈ રાઈટ નથી તેમ કહી ઉશ્કેરાઈને હોમગાર્ડને અપશબ્દો બોલી માર મારી યુનિફોર્મ ફાડી નાંખી નેમ પ્લેટ તોડી નાખી હતી અને બાદમાં હોમગાર્ડ જીગરને નીચે પાડી દઇ છાતી પર બેસી જઇ ગળું દબાવી દઇ મારી નાંખવાની ધમકી આપી હતી.
અચાનક થયેલા આ હુમલાના પગલે અન્ય હોમગાર્ડે પોલીસને જાણ કરતાં પાદરા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને યાસીન ઉર્ફે ડોનની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનાનું આજે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હુમલાખોર માથાભારે શખ્સને વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયો હતો.