નાનપુરાના હબીબશા મહોલ્લામમાં પોલીસની હાજરીમાં ગૌરક્ષકો ઉપર હુમલો
- ગૌમાંશની બાતમીના આધારે બે કાર્યકરે પહોંચી પોલીસ બોલાવીઃ ટોળામાંથી મારો જેથી બીજી વાર મહોલ્લામાં આવતા બંધ થાય એમ કહેતા હુમલો થયો
સુરત
શહેરના નાનપુરા કાદરશાની નાળ નજીક હબીબશા મહોલ્લામાં ગૌમાંશનું વેચાણ થતું હોવાની શંકાના આધારે ત્યાં પહોંચેલા અખિલ ભારત હિન્દુ મહાસભાના બે કાર્યકરો ઉપર પોલીસની હાજરીમાં ખાટકી અને સ્થાનિક રહેવાસીઓએ હુમલો કરી માર માર્યો હતો. જેને પગલે અઠવાલાઇન્સ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સચિન જીઆઇડીસીની પાલીવાલ ચોકડી વિસ્તારની ફેક્ટરીમાં નોકરી કરતા અને અખિલ ભારત હિન્દુ મહાસભા (ગૌરક્ષા મહાસભા) ના સભ્ય મુકેશ વંશરાજ યાદવ (ઉ.વ. 21 રહે. ડી.એમ નગર, પાલી ગામ, સચિન જીઆઇડીસી) ને મહાસભાના સંગઠનના અધ્યક્ષ સંજય રાદડીયાએ ફોન કરી નાનપુરા કાદરશાની નાળ પાસે હબીબશા મહોલ્લામમાં ગૌમાંશનું વેચાણ થાય છે તો ત્યાં જવાનું કહ્યું હતું. જેથી મુકેશ અને રાષ્ટ્રીય બજરંગદળ ચોર્યાસીના અધ્યક્ષ સંતોષ બિપીન યાદવ (રહે. ગોકુળ નગર, પારડી-કણદે, સચિન) સવારે 7.30 વાગ્યે હબીબશા મહોલ્લામાં ગયા ગતા.
પરંતુ ત્યાં તમામ દુકાન બંધ હોવાથી બંને જણા નાસ્તો કરવા ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે બે દુકાનમાં ત્રણ વ્યક્તિ ઓટલા ઉપર માંશનું વેચાણ કરી રહ્યા હતા. જેથી મુકેશે કંટ્રોલ રૂમમાં ફોન કરતા અઠવાલાઇન્સ પોલીસની પીસીઆર ઘસી આવી પૂછપરછ હાથ ધરી હતી. જે અંતર્ગત એક દુકાનદારે ફોન કરીને રાજુને બોલાવો એણ કહેતા ટોળું એકઠું થઇ ગયું હતું અને ટોળામાંથી કોઇકે આવેલા માણસોને મારો જેથી આપણા મહોલ્લામાં આવતા બંધ થઇ જાય એવું કહેતા ટોળાએ મુકેશ અને સંદીપ ઉપર પોલીસની હાજરીમાં હુમલો કરી ઢીક-મુક્કીનો માર માર્યો હતો. જયારે કેટલાક વ્યક્તિઓ દુકાનમાંથી ગૌમાંશ લઇ ત્યાંથી ભાગી ગયા હતા.