રેતી ખનન ઝડપાયા બાદ મહી નદીના કાંઠે ફ્લાઇંગ સ્ક્વોર્ડ પર હુમલો કરી ટ્રક છોડાવી ગયા
સાવલીમાં રહેતા લીઝના માલિક, સુપરવાઇઝર તેમજ સામરખાના ટ્રકના માલિક સામે ફરિયાદ
વડોદરા, તા.22 વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોઇચા(ક) ગામ પાસેની મહી નદીમાં ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા પડાયેલા દરોડા સમયે સ્ટાફ પર થયેલા હુમલા સંદર્ભે આખરે ડમ્પરના માલિક તેમજ એક લીઝના માલિક અને સુપરવાઇઝર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ખાણ ખનિજ વિભાગની નડિયાદ જિલ્લાની કચેરીમાં ફરજ બજાવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ શશીકાંત સતપૂતેએ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧૦ના રોજ ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ સાથે અમે તેમજ વડોદરાની કચેરીના સ્ટાફે પોઇચા(ક) ગામ પાસેની મહી નદીમાં દરોડો પાડી ગેરકાયદે રેતીખનન ઝડપી પાડી એક એસ્કેવેટર, ત્રણ હોડી, એક જેસીબી, બે ટ્રેક્ટરો અને રેતી ભરેલી એક ટ્રક મળી આશરે રૃા.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અમે રેતી ભરેલી એક ટ્રક ઝડપી તેના ચાલક પાસે રોયલ્ટી પાસ ન હતો તેમજ તેમાં આશરે ૫૦ મેટ્રિક ટન રેતીનો જથ્થો હતો. આ ટ્રક બંધ કરેલી જુવાનસિંહ જીતસિંહ વાઘેલાની લીઝ નજીક ઊભી હતી. રોયલ્ટી પાસ વગરની ટ્રક ઝડપાયા બાદ તેનું વજન કરવા માટે નજીકના વે બ્રિજ પર લઇ જવામાં આવી ત્યારે ટ્રકનો માલિક ભાવિન બળવંત સોઢા (રહે.સામરખા, તા.આણંદ), લીઝનો માલિક રણજીતસિંહ રુપાજી વણજારા અને સુપરવાઇઝર દિપક મોહનભાઇ વણજારા (બંને રહે.સાવલી) અચાનક સ્થળ પર આવ્યા હતા અને ફ્લાઇંગ સ્ક્વોડના માણસો સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્યા હતાં.
બાદમાં ત્રણે શખ્સો ટ્રક ખાલી કરીને ટ્રક લઇને નાસી ગયા હતાં. વે બ્રિજની નજીક ખાલી કરેલી રેતીનું વજન ૫૦ મેટ્રિક ટન થતું હતું. આ અંગે જે તે સમયે સાવલી પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને બાદમાં અરજી અપાઇ હતી. પરંતુ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચનાના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સાવલી પોલીસે ઉપરોક્ત વિગતોની ફરિયાદના આધારે લીઝના માલિક સહિત ત્રણેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.