થાનમાં બાકી પૈસા માગતા મહિલા વેપારી પર હુમલો
- મહિલાએ માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ફરિયાદ
સુરેન્દ્રનગર : થાન શહેરના નવાગામ બાયપાસ રોડ પર રહેતી મહિલાને કપડાના બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા એક મહિલાએ ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ઘમકી આપતા ભોગ બનનાર મહિલાએ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
થાનના નવાગામ બાયપાસ રોડ પર રહેતા નિરૂબેન કલ્યાણભાઈ વાણીયાએ એક વર્ષ પહેલા મારૂતીનંદન સોસાયટીમાં રહેતા કોમલબેન રતીલાલ રાઠોડને એક જોડી ડ્રેસ અને ધાતુના છડા કિંમત રૂા.૭૦૦ બાકીમાં આપ્યા હતા. જેની નિરૂબેને અવાર-નવાર કોમલબેન પાસે ઉધરાણી કરતા રૂપીયા આપવાની આનાકાની કરી હતી. ગત તા.૩૦ જાન્યુઆરીના રોજ નિરૂબેન દુકાને હાજર હતા તે દરમિયાન રૂા.૧૦૦ આપતા નિરૂબેને બાકી રહેતા રૂા.૬૦૦ની માંગ કરતા કોમલબેને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ઢીકા-પાટુનો મારમારી રૂપીયા માંગશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે નિરૂબેને થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.